ઇન્ટરનેશનલ

તાનાશાહના આંસુ: મહિલાઓને સંબોધતા કિમ જોંગ ઉન રડી પડ્યા, કરી આ વિનંતી

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન એક જાહેર કાર્યક્રમ દરમિયાન રડી પડ્યા હતા. તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં તેઓ આંસુ લૂછતા જોવા મળ્યા હતા. તેમણે દેશના ઘટી રહેલા જન્મ દર અંગે ચિંતા વ્યકત કરી હતી, તેમણે મહિલાઓને વધુ બાળકો પેદા કરવા અનુરોધ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિમ જોંગ ઉન આંસુ લૂછતા જોવા મળી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેક્ષકોમાંથી પણ કેટલાક લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.


મીડિયા અહેવાલ મુજબ રવિવારે પ્યોંગયાંગમાં માતાઓ માટે આયોજિત એક કાર્યક્રમમાં કિમે જણાવ્યું હતું કે, જન્મ દરમાં ઘટાડો અટકાવવો અને બાળકોની સારી સંભાળ રાખવાની જવાબદારી માતાઓ અન્ય ઘરકામ સાથે સંભાળવાની હોય છે.

તેમણે રાષ્ટ્રીય શક્તિને મજબૂત કરવામાં તેમની ભૂમિકા બદલ માતાઓનો પણ આભાર માન્યો હતો. કિમે કહ્યું કે, “જ્યારે મને પાર્ટી અને રાજ્યના કામકાજમાં મુશ્કેલી પડે છે ત્યારે હું હંમેશા માતાઓ વિશે વિચારું છું.”

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના અંદાજ મુજબ ઉત્તર કોરિયામાં 2023 સુધીમાં પ્રજનન દર(એક સ્ત્રીથી જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા) 1.8 હશે. તાજેતરના દાયકાઓથી પ્રજનન દરમાં મોટો ઘટાડો થયો છે. જો કે, ઉત્તર કોરિયામાં પ્રજનન દર તેના કેટલાક પાડોશી દેશો કરતા વધુ છે. દક્ષિણ કોરિયામાં, પ્રજનન દર ગયા વર્ષે 0.78 ની નીચી સપાટીએ રહ્યો હતો, જ્યારે જાપાનમાં આ આંકડો ઘટીને 1.26 છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button