કેનેડામાં હિંદુઓ સુરક્ષિત નથી! ખાલિસ્તાનીઓની ધમકી બાદ મંદિરમાં આયોજિત કાર્યક્રમ રદ
બ્રેમ્પટન: આ મહિનાની શરૂઆતમાં કેનેડાના બ્રેમ્પટનના હિંદુ સભા મંદિર પર ખાલિસ્તાની સમર્થકો દ્વારા થયેલા હુમલા બાદ તણાવ (Attack on Brampton hindu sabha temple) વધી ગયો છે. આ હુમલા બાદ અન્ય હિંદુ મંદિરોને ધમકીઓ મળી રહી છે. આવી જ ધમકીઓને કારણે બ્રેમ્પટનના ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર(Triveni Community center)માં ભારતીય કોન્સ્યુલેટ દ્વારા તેની આયોજિત લાઇફ સર્ટિફિકેટ ઇવેન્ટને રદ કરવાની ફરજ પડી હતી. ખાલિસ્તાની કટ્ટરપંથીઓના હિંસક વિરોધની આશંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે શું કહ્યું?
બ્રેમ્પટન ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પીલ પ્રાદેશિક પોલીસની સત્તાવાર બાતમી બાદ ભારતીય કોન્સ્યુલેટ વતી 17 નવેમ્બર, 2024ના રોજ બ્રેમ્પટન ત્રિવેણી મંદિર ખાતે આયોજિત લાઇફ સર્ટિફિકેટ ઇવેન્ટને રદ કરવામાં આવી છે, આ ઘટના દરમિયાન હિંસક વિરોધ થવાની સંભાવના છે.”
આ ઉપરાંત, કોમ્યુનિટી સેન્ટરે પીલ પોલીસને અપીલ કરી છે કે તેઓ કેનેડિયન હિંદુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરે. મંદિર પ્રશાસને જણાવ્યું હતું કે, “અમને ખૂબ દુઃખ છે કે કેનેડિયનો હવે હિંદુ મંદિરોની મુલાકાત લેતા અસુરક્ષા અનુભવે છે. અમે પીલ પોલીસને બ્રેમ્પટન ત્રિવેણી મંદિર સામે આપવામાં આવી રહેલી ધમકીઓને સામે કેનેડિયન હિંદુ સમુદાય અને સામાન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરીએ છીએ.”
ત્રિવેણી કોમ્યુનિટી સેન્ટર શું છે?
બ્રેમ્પટન ત્રિવેણી મંદિર અને સામુદાયિક કેન્દ્ર હિન્દુઓ અને સમાન વિચારધારા ધરાવતા લોકો માટે આધ્યાત્મિક કેન્દ્ર છે. જ્યાં, પૂજા, કીર્તન, સેવા અને પ્રવચન જેવા કાર્યો થાય છે.
હિંદુ સભા મંદિર પર થયો હતો હુમલો:
3 નવેમ્બરના રોજ ખાલિસ્તાની સમર્થકોએ ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન હિંદુઓને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે આ મામલે સ્પષ્ટતા આપવી પડી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હિન્દુ મંદિર પર ઇરાદાપૂર્વકના હુમલાની સખત નિંદા કરી હતી.