ઇન્ટરનેશનલ

ખાલિદા ઝિયાના નિધન સાથે બાંગ્લાદેશમાં દાયકાઓથી ચાલતા ‘બેટલ ઓફ ધ બેગમ્સ’નો પણ અંત

ઢાકા: બાંગ્લાદેશમાં હિંસાના માહોલની વચ્ચે પૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાના (Begum Khaleda Zia) નિધનથી સમગ્ર દેશમાં શોક વ્યાપી ગયો છે. પ્રથમ મહિલા વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. બેગમ ખલિદા ઝિયાના નિધનની સાથે બાંગ્લાદેશની રાજનીતિના ‘બેટલ ઓફ ધ બેગમ્સ’નો (Battle of the Begums) પણ અંત થયો છે.

બાંગ્લાદેશની રાજનીતિમાં છેલ્લા ત્રણ દાયકાઓથી બે મહિલાઓ ખાલિદા ઝિયા અને શેખ હસીનાની આજુબાજુ જ કેન્દ્રિત રહી છે. આમ તો બંને એવા પરિવાર સાથે જોડાયેલા છે કે જેમનો સબંધ બાંગ્લાદેશની આઝાદી આંદોલન સાથે છે.

બંનેના જીવનમાં પતિ, પિતા અને પરિવારના સભ્યોની હત્યા તેમજ પરિવારના રાજકીય વારસાની બાબતે સમાનતા જોવા મળે છે. આ સમાનતા એ જ આ દુશ્મનાવટને વધુ ઊંડી કરી હતી. ખાલિદા ઝિયા અને શેખ હસીના વચ્ચેની આ લડત ‘બેટલ ઓફ ધ બેગમ્સ’ તરીકે ઓળખાય છે.

એકસમયના મિત્ર બની ગયા કટ્ટા વેરી

ખાલિદા ઝિયા માર્ચ 1991 થી માર્ચ 1996 અને ફરીથી જૂન 2001 થી ઓક્ટોબર 2001 સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા હતા. બાંગ્લાદેશના પ્રથમ સૈન્ય સરમુખત્યાર ઝિયા ઉર રહેમાનના પત્ની જ્યારે 1991માં પ્રથમ વખત સત્તા પર આવ્યા, ત્યારે તેમના પર શેખ હસીનાની આવામી લીગ વિરુદ્ધ રાજકીય વેરની ભાવનાથી કાર્યવાહી કરવાનો આરોપ લાગ્યો હતો.

બાદમાં જ્યારે શેખ હસીનાની સરકાર આવી, ત્યારે તેના પર પણ BNP વિરુદ્ધ આવી જ કાર્યવાહી કરવાના આક્ષેપો થયા હતા. આ લડાઈમાં અંતે ઝિયાએ જેલમાં જવું પડ્યું હતું, પરંતુ હંમેશા આવું નહોતું. એક સમય એવો પણ હતો જ્યારે બંને ‘બેગમો’એ સાથે મળીને બાંગ્લાદેશના બીજા સૈન્ય સરમુખત્યાર મોહમ્મદ ઈરશાદ વિરુદ્ધ લડાઈ લડી હતી.

2024માં વિદ્યાર્થી આંદોલન દ્વારા હસીના સત્તા પરથી બહાર થયા બાદ, ખાલિદા ઝિયાને સંપૂર્ણ મુક્તિ મળી અને તેમના પરના તમામ કેસો ખતમ કરી દેવામાં આવ્યા હતા. વચગાળાની સરકારે તેમને VVIP સુરક્ષા પૂરી પાડી હતી. પરંતુ સ્વાસ્થ્યએ સાથ આપ્યો નહીં.

નવેમ્બર 2025થી તેઓ ગંભીર બીમારીઓ સામે ઝૂઝી રહ્યા હતા. લિવરની સમસ્યા, ડાયાબિટીસ, છાતી અને હૃદયની તકલીફ સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝૂઝી રહેલા ઝિયા 23 નવેમ્બરથી ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને 11 ડિસેમ્બરના રોજ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યારે આજે સવારે તેમનું નિધન થયું હતું.

આ પણ વાંચો…બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન; 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button