સ્ટાર ક્રિકેટર અને તેના ત્રણ ભાઈઓએ એક જ દિવસે કર્યા લગ્ન!
કાબુલ: અફઘાનિસ્તાનના ક્રિકેટ કૅપ્ટન રાશિદ ખાને ગુરુવાર, ત્રીજી ઑક્ટોબરે કાબુલમાં લગ્ન કર્યા હતા. તેની સાથે તેના ત્રણ ભાઈઓએ પણ એ જ દિવસે, એ જ હોટેલના આલીશાન હૉલમાં નિકાહ કર્યા હતા.
રાશિદ ખાન ઉપરાંત આમિર ખલીલ, ઝાકિઉલ્લા અને રઝા ખાનની એક જ દિવસે એક જ સ્થળે વેડિંગ સેરેમની યોજાતાં કાબુલમાં અનોખો માહોલ સર્જાયો હતો.
આ મહા લગ્ન સમારોહમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ તેમ જ દેશની હસ્તીઓએ હાજરી આપી હતી. સમારોહમાં હાજર અફઘાની ક્રિકેટર્સમાં ખાસ કરીને મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઓમરઝાઈ, નજીબુલ્લા ઝદ્રાન, રેહમત શાહ અને મુજીબ ઉર રેહમાનનો સમાવેશ હતો.
રાશિદ ખાન અને તેના ત્રણેય ભાઈઓએ પરંપરાગત પખ્તૂન રિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા. આ ભવ્ય અને સંયુક્ત મૅરેજ સેરેમની પાટનગર કાબુલની ઇમ્પિરિયલ કૉન્ટિનેન્ટલ હોટેલમાં યોજાઈ હતી.
સોશિયલ મીડિયામાં રાશિદ ખાનને અસંખ્ય ચાહકોની શુભેચ્છા મળી હતી.
રાશિદ ખાન આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમ વતી રમે છે અને આ ટીમના ફ્રૅન્ચાઇઝીએ એક્સ (ટ્વિટર) પર રાશિદ ખાનના લગ્ન સમારોહની તસવીરો અપલોડ કરીને તેને શુભેચ્છા આપી હતી.
રાશિદ ખાનના સુકાનમાં અફઘાનિસ્તાનની ટીમ જૂનમાં ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચી હતી. એમાં સાઉથ આફ્રિકા સામે અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો અને છેવટે ભારતે સાઉથ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. તાજેતરમાં અફઘાનની ટીમે સાઉથ આફ્રિકાને ત્રણ મૅચની વન-ડે શ્રેણીમાં 2-1થી હરાવીને નવો ઇતિહાસ સર્જ્યો હતો. રાશિદ ખાને એ શ્રેણીની બીજી મૅચમાં (પોતાના જન્મદિને) પાંચ વિકેટ લઈને સાઉથ આફ્રિકન ટીમને પરાજય તરફ ધકેલ્યું હતું.
અફઘાનિસ્તાનના ખેલાડીઓ આઇસીસીના ટેસ્ટ-ક્રિકેટ રમતા દેશોમાં એકમાત્ર ભારત સિવાય બાકીના બધા દેશોને હરાવી ચૂક્યું છે.