પીએમ મોદી સામે કરગર્યા જસ્ટિન ટ્રુડો: કહ્યું કેનેડાના નાગરિકોની સુરક્ષાની ચિંતા
નવી દિલ્હી: લાઓસમાં આયોજિત આસિયાન સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટૂંકી વાતચીત થઈ. ટ્રુડોએ પોતે આ માહિતી આપી હતી. બંને દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો તંગ બન્યા છે, તેવા સમયે બંને નેતાઓ વચ્ચે આ વાતચીત થઈ છે. ટ્રુડોએ ભારતને સામે ચાલીને કેટલાક “વાસ્તવિક મુદ્દાઓ” ઉકેલવા અપીલ કરી છે.
જસ્ટિન ટ્રુડોએ લાઓસમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે, “મેં એ બાબત પર જોર મૂક્યું છે કે આપણે થોડું કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે અમે કઈ બાબત પર વાત કરી રહ્યા છીએ તેને વિસ્તારથી કહેવાની કઈ જરૂર નથી, હું એ મુદ્દાની સ્પષ્ટતા કરી ચૂક્યો છું. પરંતુ હું વારંવાર કહેતો આવ્યો છું કે કેનેડાની પ્રજાની સુરક્ષા અને દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવી એ કેનેડાની કોઈપણ સરકારની મૂળભૂત જવાબદારીઓમાંની એક છે.
Read This…..Dussehra: PM મોદીએ દેશવાસીઓને પાઠવી દશેરાની શુભેચ્છા; રક્ષામંત્રીએ કર્યું શસ્ત્ર પૂજન
કેનેડાના વડા પ્રધાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું છે કે ભારત અને કેનેડાના વચ્ચે આસિયાન સમિટ દરમિયાન કોઈ નક્કર ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની ગતિવિધિઓ થવા દેવામાં આવશે નહીં અને કેનેડાની ધરતી પરથી ભારત વિરુદ્ધ હિંસા, ઉગ્રવાદ અને આતંકવાદની તરફેણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે અત્યાર સુધી કરવામાં આવી નથી રહી હતી.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત કેનેડા સાથેના તેના સંબંધોને મહત્ત્વ આપે છે પરંતુ જ્યાં સુધી કેનેડાની સરકાર કેનેડામાં ચાલતી ભારત વિરોધી ગતિવિધિઓ અને તે પ્રવૃતિઓને આગળ ધપાવનારા અને નફરત, ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક અને યોગ્ય પગલાં ન ભરે ત્યાં સુધી સબંધો સુધરી શકશે નહિ.