માલદીવમાંથી ભારતીય સૈન્યને હાંકી કાઢીને જ ઝંપીશ
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ ફરી આલાપ્યો ભારત વિરોધી રાગ
માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ઔપચારિક રીતે આવતા મહિને દેશનું સર્વોચ્ચ પદ સંભાળશે. તેઓ ભારતીય સૈન્ય કર્મચારીઓને દેશમાંથી હાંકી કાઢવાના તેમના ચૂંટણી વચનને વળગી રહ્યા છે. જો કે, તેઓ જણાવે છે કે આ કામ તેઓ રાજદ્વારી માધ્યમથી કરશે. મુઇઝુએ કહ્યું છે કે જો શક્ય હોય તો, તેઓ તેમના પ્રમુખપદના પ્રથમ સપ્તાહમાં ભારતીય સૈનિકોને પાછા ખેંચવાની આશા રાખે છે. મુઇઝુને ચીન તરફી અને ભારત વિરોધી નેતા તરીકે ઓળખવામાં આવે છે.
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ એક મીડિયા હાઉસને તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી “પ્રથમ દિવસે” જ ભારતને તેના સૈનિકો પાછા ખેંચવાની વિનંતી કરશે અને તે તેમની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. મુઇઝુએ ગયા મહિને પ્રમુખપદની રેસમાં ઇબ્રાહિમ સોલાહને હરાવ્યા હતા, જેઓ ભારત તરફી વલણ ધરાવતા હતા.
મુઈઝુએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હું ખરેખર થોડા દિવસો પહેલા ભારતીય હાઈ કમિશનરને મળ્યો હતો અને તે મીટિંગ દરમિયાન જ મેં ઉલ્લેખ કર્યો હતો કે આપણે માલદીવમાંથી ભારતીય સૈન્યને હટાવવાની અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે તેની હકારાત્મક નોંધ લીધી છે અને કહ્યું છે કે આના પર આગળનો રસ્તો શોધવા તેઓ અમારી સાથે મળીને કામ કરશે.’
વિદેશી સૈનિકોની હાજરીને કારણે અસુરક્ષા વિશએ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “સદીઓથી અમે ખૂબ જ શાંતિપ્રિય દેશ છીએ. અમારી ધરતી પર ક્યારેય કોઈ વિદેશી સેના રહી નથી. અમારી પાસે કોઈ મોટું સૈન્ય માળખું નથી અને અમે કોઈપણ વિદેશી સેના સાથે સુરક્ષિત છીએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની વિદેશ નીતિ ચીન તરફ ઝુકાવશે? મુઇઝુએ કહ્યું કે તે માલદીવ તરફી નીતિનું પાલન કરશે. મુઈઝુએ કહ્યું, “અમે કોઈ પણ દેશને ખુશ કરવા તેની તરફેણ કરીશું નહીં. અમે ઈચ્છીએ છીએ કે પહેલા અમારા હિતોનું રક્ષણ કરવામાં આવે. કોઈપણ દેશ, જે અમારા હિતોનું સન્માન કરશે તે અમારો સારો મિત્ર હશે.”