જાપાનમાં 5.9 ની તીવ્રતાનો શકિતશાળી Earthquake આવ્યો, સુનામીની ચેતવણી
ટોક્યો: જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી(Earthquake) ઈમારતો હલી હતી. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ ભૂકંપ પછી જાપાનની હવામાન એજન્સીએ મંગળવારે ટોક્યોની દક્ષિણે દૂરના ટાપુ સમૂહ માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. દરિયા કિનારે આવેલા આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જાપાનની હવામાન એજન્સી (JMA) અનુસાર, આ ભૂકંપ મંગળવારે સવારે ઇઝુ આઇલેન્ડના તટીય વિસ્તારમાં આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી.
ભૂકંપનું જોખમ વધારે
જ્યારે થોડીવાર બાદ આ વિસ્તારમાં એક મીટર ઊંચા મોજાને લઈને સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. JMAએ અહેવાલ આપ્યો છે કે હાચીજો ટાપુના યાને જિલ્લામાં લગભગ 50 સેન્ટિમીટરની સુનામી આવી હતી. એજન્સીએ જણાવ્યું કે ભૂકંપ ટોક્યોથી લગભગ 300 કિલોમીટર દક્ષિણે આવેલા હાચિજો દ્વીપથી લગભગ 180 કિલોમીટર દક્ષિણમાં આવ્યો હતો. જાપાનની રાજ્ય ટેલિવિઝન ચેનલ અનુસાર, હાચિજો ટાપુના રહેવાસીઓએ અહેવાલ આપ્યો કે તેમને ભૂકંપનો આંચકો અનુભવાયો ન હતો અને માત્ર સુનામીની ચેતવણીઓ જ સાંભળી હતી. જાપાન ‘રિંગ ઓફ ફાયર’માં આવેલું છે. આ પેસિફિક મહાસાગરનો એક એવો વિસ્તાર છે જ્યાં ભૂકંપનું જોખમ વધારે છે.