Japan earthquake: મૃત્યુઆંક વધીને 62 પર પહોંચ્યો, આફ્ટરશોક્સ અને ખરાબ હવામાને મુશ્કેલી વધારી
ટોક્યો: જાપાન(Japan)માં સોમવારે આવેલા 7.5 ની તીવ્રતા શક્તિશાળી ધરતીકંપે(earthquake)એ વિનાશ વેર્યો છે. ભૂકંપને કારણે મૃતકોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે. મોટા ભાગની જાનહાની નોટો દ્વીપકલ્પના વાજિમા અને સુઝુમાં થઇ છે. અહેવાલો મુજબ 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. કેટલા લોકો ગુમ છે એ સ્પષ્ટ નથી. ધરાશાયી થયેલા મકાનો નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
સોમવારે ઇશિકાવાના નોટો પેનિન્સુલામાં ભુંકપ આવ્યો હતો, જેના કારણે સંખ્યાબંધ ઇમારતો તૂટી પડી હતી. ભૂકંપ બાદ જાપાન ઉપરાંત પૂર્વી રશિયા સુધી સુનામીની ચેતવણીઓ જાહેર કરવામાં આવી હતી.
જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે દિવસે દેશમાં કુલ 155 ભૂકંપના આંચકા નોંધાયા હતા. મંગળવારે રેસ્ક્યુ ટીમને બચાવ કાર્ય દરમિયાન આફ્ટરશોક્સ અને ખરાબ હવામાનનો સમાનો કરવો પડ્યો હતો. જાપાનની એજન્સીએ નોટોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બુધવારની સાંજ સુધી ભૂસ્ખલનની પણ થઇ શકે છે.
બચાવ અને રાહત મિશનને મંગળવારે ફટકો પડ્યો હતો, કટોકટી પુરવઠાથી ભરેલું એક વિમાનમાં હનેડા એરપોર્ટ પર રનવે પર દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેમાં આગ લાગી હતી. આ ઘટનામાં પાંચ કોસ્ટગાર્ડ ક્રૂ મેમ્બરના મોત થયા હતા.
મંગળવારે રાત્રે જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું “આ સમય સામેની રેસ છે.”
દરમિયાન, દરિયાકાંઠાના શહેર સુઝુના મેયર માસુહિરો ઇઝુમિયાએ જણાવ્યું હતું કે “લગભગ કોઈ મકાન ઉભું નથી, શહેરમાં લગભગ 90% ઘરો નાશ પામ્યા છે. પરિસ્થિતિ ખરેખર આપત્તિજનક છે.”
જાપાન દર વર્ષે ભૂકંપના સેંકડો આંચકાઓ આવે છે. ઓછી તીવ્રતાના મોટા ભાગના ભૂકંપથી કોઈ નુકસાન થતું નથી. વર્ષ 2011 માં ઉત્તરપૂર્વીય જાપાનમાં 9.0 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો, જે ને કારણે સુનામી આવેલી સુનામીમાં લગભગ 18,500 લોકો મૃત્યુ પામ્યા હતા અથવા ગુમ થયા હતા.