જાપાન એરલાઈન્સ પર સાયબર હુમલો, મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ થઈ પ્રભાવિત…
ટોકિયો: જાપાન એરલાઈન્સ પર ગુરુવારે સાયબર એટેક થયો છે જેને કારણે તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર અસર થઈ છે. આ સાયબર એટેકને કારણે જાપાન એરલાઇન્સ (જેએએલ)ની ઓછામાં ઓછી નવ સ્થાનિક ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે, એમ સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.
આ સાયબર અટેક ગુરુવારે સવારે 7.30 વાગ્યાની આસપાસ થયો હતો.
તેનાથી એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે.
દરમિયાન, એવું જાણવા મળ્યુ છે કે સાયબર હુમલાને કારણે એરલાઇન્સે ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે. નોંધનીય છે કે ઓલ નિપ્પોન એરવેઝ (એએનએ) બાદ જાપાન એરલાઈન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની છે.
JALએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “અમે સિસ્ટમ રિકવરી સ્ટેટસ તપાસી રહ્યા છીએ. આજે ઉપડનારી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ.”
જાપાનમાં સાયબર એટેક વધી રહ્યા છે. તાજેતરમાં, લોકપ્રિય જાપાનીઝ વિડિયો-શેરિંગ વેબસાઇટ નિકોનિકોએ જૂનમાં તેની સેવાઓ સ્થગિત કરી દીધી હતી, કારણ કે તેના પર મોટા પાયે સાયબર એટેક થયો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણે ભારતની સાથે અમેરિકાની ચિંતા વધારી!
2022 માં પણ જાણીતા કાર મેકર ટોયોટાના સપ્લાયર પર સાયબર હુમલો થયો હતો જેને કારણે સૌથી વધુ કાર વેચાણ ધરાવતા ઓટોમેકરને એક દિવસ માટે સ્થાનિક પ્લાન્ટમાં કામગીરી અટકાવવાની ફરજ પડી હતી.