ઇન્ટરનેશનલ

યમનમાં હુતી સંકટ વચ્ચે જયશંકરની ઈરાન મુલાકાતનું મહત્વ જાણો

નવી દિલ્હીઃ વિશ્વમાં ચાલી રહેલા મોટા સંઘર્ષો વચ્ચે વધુ એક સંકટ ઝડપથી આગળ વધી રહ્યું છે. રશિયા અને યુક્રેન ઉપરાંત ઈઝરાયેલ અને હમાસનો સંઘર્ષ હજી ચાલુ જ છે ત્યારે યમનમાં નવો સંઘર્ષ ઊભો થયો છે. અહીંના હુથી વિદ્રોહીઓ લાલ સમુદ્રમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરી રહ્યા છે. તમને યાદ હશે કે તાજેતરમાં અમેરિકાએ આ હુથી બળવાખોરોને નિશાન બનાવીને કેટલાક હુમલા કર્યા છે. અમેરિકાએ ઈરાન પર તેમનો સાથ આપવાનો આરોપ પણ લગાવ્યો છે. અમેરિકાના હુમલા બાદ હવે ડર વધી ગયો છે કે યમન અને હુથીઓ પણ આ હુમલાઓનો જવાબ આપશે.

જો આમ થશે તો લાલ સમુદ્ર દ્વારા થતા વેપારને ખરાબ અસર થશે. આ માર્ગ મહત્વપૂર્ણ છે કારણ કે વિશ્વના કુલ વેપારના 12 ટકા અહીંથી થાય છે. જેની અસર ભારત પર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં ભારત દ્વારા એક વ્યૂહાત્મક પગલું લેવામાં આવ્યું છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ઈરાનની મુલાકાત લીધી હતી. આનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે ભારત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી શક્યું. કારણ કે જો આ સ્થળ યુદ્ધ ક્ષેત્ર બની જશે તો ભારતને પણ ભારે નુકસાન સહન કરવું પડશે.


વિદેશ પ્રધાન એસ. જયશંકરની મુલાકાત 14-15 જાન્યુઆરીના રોજ થઈ હતી. તેમની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે યમન પર ઈરાનનો સીધો પ્રભાવ છે. વિચારધારા હોય કે હથિયારોથી ટેકો હોય, ઇરાનનો યમનને પૂરો ટેકો છે.


લાલ સમુદ્રમાં જહાજો પર થયેલા તાજેતરના હુમલા માટે અમેરિકાએ યમનના હુથીઓને સીધો જ જવાબદાર ઠેરવ્યા છે. આ હુમલાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. જયશંકરની ઇરાન મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા અને બ્રિટને હુતી વિદ્રોહીઓને નિશાન બનાવીને હુમલા કર્યા છે અને એવો પણ આરોપ લગાવ્યો છે કે ઈરાન પોતે તેને સમર્થન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં આ ક્ષેત્રમાં ઈરાનની સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. આવી સ્થિતિમાં ભારતના હિતોની રક્ષા માટે આ સમયે જયશંકરની ઇરાન યાત્રા ઘણી રીતે વિશેષ અને જરૂરી હતી.


વિદેશ પ્રધાન જયશંકરે સોમવારે તેમના ઈરાનના સમકક્ષ હુસૈન અમીર-અબ્દોલ્લાહિયા સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી.


ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે, પરંતુ જ્યારે અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા તો તેની અસર ભારત અને ઈરાનના સંબંધો પર પણ પડી હતી. ભારતે ઈરાન પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો કર્યો હતો. જો કે, આ વખતે જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી તેલ નહીં ખરીદવા કહ્યું તો ભારત તેના દબાણમાં નહોતું આવ્યું. ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. પરંતુ ઈરાનની વાત હતી ત્યારે ભારતે અમેરિકાની વાત સ્વીકારી લીધી હતી, જેના કારણે સંબંધોમાં થોડી ખટાશ આવી હતી.


ઈરાનની વાત કરીએ તો તે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે. વર્ષ 2018માં જ તેની સાથે ચાબહાર પોર્ટનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સોદો થયો હતો. આ બંદર પાકિસ્તાનના ગ્વાદર બંદરથી માત્ર 170 કિલોમીટર દૂર છે. ગ્વાદર ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)નો એક ભાગ છે. પરંતુ 2019માં અમેરિકાએ ઈરાન પર પરમાણુ બોમ્બ બનાવવાનો આરોપ લગાવીને તેના પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા હતા. તેણે અન્ય દેશોને પણ ધમકી આપી હતી કે ઈરાન સાથે સંબંધો જાળવી રાખનારાઓ સામે અમેરિકા કડક કાર્યવાહી કરશે.


જો ચાબહાર પોર્ટ પર કામ થશે તો ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે કનેક્ટિવિટી મળશે. તે ગ્વાદરની પશ્ચિમે છે. એટલા માટે આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાએ ચાબહાર માટે ભારતને કેટલાક પ્રતિબંધોમાં છૂટછાટ આપી હતી. ચીને આ વાતનો ફાયદો ઉઠાવ્યો. તેણે ઇરાન સાથે 400 બિલિયન યુએસ ડોલરનું તેલ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તે ઈરાનનો સૌથી મોટો ગ્રાહક બની ગયો. 2020 થી 2023 સુધીમાં ઇરાનના ચીનને તેલના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો હતો.


INSTC કનેક્ટિવિટી પ્રોજેક્ટ
હવે આપણે વિદેશ પ્રધાન એસ જયશંકરની ઈરાન મુલાકાત પર પાછા ફરીએ. તેમણે ઈરાનના વિદેશ પ્રધાન સાથે પ્રાદેશિક મુદ્દાઓ, દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક બાબતો પર વાત કરી, પરંતુ બે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ હતા ચાબહાર પોર્ટ અને INSTC કનેક્ટિવિટી પ્રોજેક્ટ (ઈરાનને રશિયા સાથે જોડતો કોરિડોર). ભારતે આ બે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


આ સિવાય બંને દેશોએ વૈશ્વિક સંકટ સાથે જોડાયેલા અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી હતી. જેમ કે ગાઝા, અફઘાનિસ્તાન, યુક્રેન અને બ્રિક્સ. જો આપણે ઈઝરાયલ-હમાસ સંકટની વાત કરીએ તો અહીં ઈરાન પણ હમાસને સમર્થન આપે છે. ભારતે ઈઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી હતી. પરંતુ તે જ સમયે ગાઝામાં લોકો પર હુમલા બાદ માનવતાવાદી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી. આ સિવાય ભારત ટૂ સ્ટેટ થિયરીમાં પણ માને છે. એટલે કે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન બે દેશો હોવા જોઈએ એમ ભારતનું માનવું છે. આવી સ્થિતિમાં ભારત આ મુદ્દે પણ સ્પષ્ટ રીતે પોતાનો મત રજૂ કરી શકે છે.


INSTC કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે ભારત માટે ઉત્તર-દક્ષિણને જોડતા આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોર દ્વારા બંદર અબ્બાસ પોર્ટ અને ત્યાંથી રશિયા સુધી કેસ્પિયન સમુદ્ર સુધી પહોંચવું શક્ય છે. આ માર્ગ મુંબઈ થઈને અથવા ચાબહાર અથવા બંદર અબ્બાસ (ઈરાનનું બંદર) થઈને તેહરાન થઈને કેસ્પિયન સમુદ્ર થઈને અસ્તરાખાન એટલે કે રશિયા સુધી પહોંચી શકે છે.


આ સિવાય તેહરાન થઈને અઝરબૈજાનના બાકુ થઈને દરિયાઈ માર્ગ અથવા રોડ માર્ગે પણ રશિયા પહોંચી શકાય છે. આ 7200 કિલોમીટરના રૂટમાં ભારત, ઈરાન, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ તમામને જોડવામાં આવશે. આ સાથે અનેક પ્રકારના વેપારી માર્ગો પણ જોડવામાં આવશે.


કોરિડોરનો પહેલો પ્રસ્તાવ વર્ષ 2000માં આવ્યો હતો. ઈરાન અને રશિયાએ પણ તેને મંજૂરી આપી હતી, પરંતુ તે સમયે ભંડોળના અભાવે આ પ્રોજેક્ટ અટકી ગયો હતો. જો કે, હવે ભારતે પણ આ મુદ્દે વાત કરી છે. વિદેશ પ્રધાને ઈરાનના માર્ગ અને શહેરી વિકાસ પ્રધાન સાથે વાત કરી હતી. અન્ય રૂટ IMEC (ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર) ની વાત કરીએ તો, તેને યુએસની મંજૂરી છે. પરંતુ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે હાલમાં આમાં પડકારો પણ વધી ગયા છે.


અમેરિકા અને વિશ્વ માટે મોટો સંદેશ
ઈરાને કહ્યું છે કે ભારત અમારો મિત્ર છે અને અમે સાથે મળીને આગળ વધીશું. ઈરાનની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે અમેરિકા ઈરાનને પોતાનો દુશ્મન માને છે. આવી સ્થિતિમાં ભારત માટે આ એક મોટું વ્યૂહાત્મક પગલું છે.


આ મુલાકાત પણ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને તેના સહયોગી દેશો યમન પર હુમલો કરી રહ્યા છે. તેઓ અહીં હુથીઓને નિશાન બનાવી રહ્યા છે, જેમને ઈરાનનું સમર્થન છે. અને આવા સમયે ભારતના વિદેશ પ્રધાન ઈરાન ગયા છે. આનાથી અમેરિકાને પણ મોટો સંદેશ જાય છે. સંદેશ એ છે કે ભારત ઈરાન સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે. જો ભવિષ્યમાં લાલ સમુદ્રમાં સ્થિતિ વધુ વણસે તો ભારત અહીં મધ્યસ્થી તરીકેની ભૂમિકા પણ ભજવી શકે છે.


આ સાથે એક મોટી વાત એ પણ બની કે ભારતે ઈરાનમાં થયેલા આતંકી હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો. ભારત તરફથી આમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના જનરલ કાસિમ સુલેમાનીની હત્યાની ચોથી વર્ષગાંઠ પર લોકો અહીં એકઠા થયા હતા, ત્યાં હુમલો થયો હતો. આ હુમલાનો આરોપ ઈઝરાયલ પર હતો. ભારતે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાનમાં આતંકવાદી હુમલાને સમર્થન કરતું નથી.


વિદેશ પ્રધાન એસ જયશંકરે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી સાથે પણ મુલાકાત કરી હતી અને એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભકામના અને સંદેશ પણ આપ્યા હતા. આ પહેલા વિદેશ પ્રધાન રશિયાની મુલાકાતે પણ ગયા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. ઈરાન અને રશિયા બંને આ સમયે ખૂબ નજીક છે. અમેરિકા આ ​​બંનેને પોતાના દુશ્મન માને છે. આવી સ્થિતિમાં ભારત દરેકને આવી રીતે સાધી રહ્યું છે, જેથી દેશની સ્થિતિ મજબૂત થઈ શકે. ભારતે બીજો અને સૌથી મહત્વનો સંદેશ એ આપ્યો છે કે તે એવા દેશોને નારાજ કરી શકે નહીં જેની સાથે તેના વ્યાપારી હિતો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey