જાપાનમાં 17 મિનિટ માટે બુલેટ ટ્રેનને રોકવાની નોબત આવી, કારણ જાણો તો ચોંકી જશો

ટોક્યોઃ ભારતીય રેલવે દેશમાં સેમી હાઈ સ્પીડ પછી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને દોડાવવાની યોજના ધરાવી રહ્યું છે, ત્યારે તેનું સપનું સાકાર કરવા માટે દેશ જાપાન-ચીનની ટેક્નલોજીનો ઉપયોગ કરશે. બીજી મહત્ત્વની વાત છે કે જાપાનમાં ટ્રેનની નિયમિતાની દુનિયામાં નોંધ લેવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જાપાનની બુલેટ ટ્રેન 17 મિનિટ મોડી પડતા ચર્ચાનો વિષય બન્યો હતો.
જાપાનની વિશ્વ પ્રસિદ્ધ બુલેટ ટ્રેન તેની ઝડપ અને નિયમિતતા માટે દુનિયામાં જાણીતી છે, જેમાં થોડી મિનિટોનો વિલંબ પણ અત્યંત રેર ઘટના માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સાપના કારણે ‘શિંકનસેન’ (બુલેટ ટ્રેન) સેવા ૧૭ મિનિટ માટે રોકી દેવામાં આવી હોવાનું જાણવા મળતા ખરેખર આશ્ચર્ય થવું સ્વાભાવિક છે.
આ પણ વાંચો: Good News: …તો મુંબઈને મળશે વધુ બે Bullet Train, દેશભરમાં 10 રૂટ પર બુલેટ ટ્રેન દોડાવાની PM Modiની યોજના
મંગળવારે સાંજે એક પ્રવાસીએ નાયોગા અને ટોક્યો વચ્ચેની ટ્રેનમાં લગભગ 16 ઇંચ જેટલો લાંબો સાપ છુપાયેલો જોયો હતો. જેની તેણે તુરંત સિક્યોરિટીને જાણ કરી દીધી. ત્યાર બાદ ટ્રેન ૧૭ મિનિટ રોકાઇ ગઇ. સેન્ટ્રલ જાપાન રેલવે કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર સાપ ઝેરી હતો કે તે ટ્રેનમાં કેવી રીતે આવ્યો તે અસ્પષ્ટ છે. જોકે મુસાફરોને કોઇ નુકશાન થયું ન હતું.
પ્રવક્તાએ કહ્યું કે શિકંનસેનના પ્રવાસીઓ ડોગી, બિલાડીઓ અને કબૂતરો સહિત અન્ય પ્રાણીઓને બોર્ડમાં લાવી શકે છે, પરંતુ સાપ નહીં. જંગલી સાપ કોઇ રીતે સ્ટેશન પર ટ્રેનમાં ચઢી જાય એ કલ્પના કરવી મુશ્કેલ છે.
શિંકનસેન પર સાપ લાવવા વિરુદ્ધ નિયમો છે. જોકે અમે મુસાફરોના સામાનની તપાસ કરતા નથી. આ ટ્રેન મૂળ રીતે ઓસાકા જવાની હતી, પરંતુ કંપનીએ સફર માટે અલગ ટ્રેનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. જેના કારણે લગભગ 17 મિનિટનો વિલંબ થયો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંબંધિત ટીમે જાપાનમાં લીધી સ્પેશિયલ તાલીમ
વર્ષ ૨૦૧૮માં શિંકનસેન પર ચાકૂબાજીની જીવલેણ ઘટના બાદ બુલેટ ટ્રેન પર યુનિફોર્મવાળા સુરક્ષા ગાર્ડો દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું આ ઘટનાએ ખૂબ જ સુરક્ષિત ગણાતા જાપાનને આંચકો આપ્યો હતો.
૨૦૨૧ સમર ઓલિમ્પિક્સ અને અગાઉની ગ્રુપ ઓફ સેવન મીટિંગ માટે વધારાની સુરક્ષા કરવામાં આવી હતી. જાપાન રેલ્વે મુજબ શિંકનસેન નેટવર્ક જે સૌપ્રથમ ૧૯૬૪માં શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી ક્યારેય એવો અકસ્માત થયો નથી કે જેના લીધે કોઇ મુસાફરનું મૃત્યુ કે ઇજા થઇ હોય, જે સૌથી મોટી વાત છે.