ગોળી અને બોમ્બ વર્ષા વચ્ચે આ ઈઝરાયલી કપલ લોકોમાં સ્મિત અને ખુશીઓની લહાણી કરે છે…
ઈઝરાયલ-હમાસ વચ્ચે 21 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધભૂમિમાંથી દરરોજ સેંકડો કાળજું કંપાવનારી સ્ટોરીઓ આપણી સામે આવતી જ રહી છે. ઈઝરાયલવાસીઓના શરીર અને મન પર જે ઘાવ થયા છે એ આટલા જલદી પૂરાય એવા નથી પરંતુ આજે આપણે અહીં વાત કરીશું એક એવા દંપતિ વિશે કે જેણે આ દર્દને હળવું કરવાનો મારગ શોધી લીધો છે.
કહેવા માટે તો આ કપલ હોસ્પિટલમાં જઈને સારવાર લઈ રહેલાં દર્દીઓને હસાવવાનો, એમના ઘાવ-પીડાને ભૂલાવીને ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરે છે, પણ અંદરખાને તો ક્યાંક તેઓ ખુદ પણ આ દર્દ અને દુઃખને યાદ કરીને તૂટી પડે છે.
ફમલી શહેરનું કપલ છે અને તેમણે મેડિકલ ક્લાઉન બનવાથી લઈને મૃતદેહોની અંતિમક્રિયા કરવા સુધીની સફર ખેડી છે, જે ખરેખર આપણા બધા માટે એક મોટિવેશનલ સ્ટોરી છે. આ દંપતિનું નામ છે યેલ અને હદાસ. યેલ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)માં સૈનિક છે.
યેલ ડ્યૂટી પૂરી કરીને પત્ની હદાસ સાથે હોસ્પિટલમાં જાય છે અને જ્યાં તેઓ દર્દીઓના જીવનમાં ખુશીઓના રંગ ભરવાનો, તેમના હોઠો પર સ્મિત લાવવાનો પ્રયાસ કરે છે. દર્દી સાથે આ દંપતિ સમય પસાર કરે છે. મેડિકલ ક્લાઉન શબ્દનો અર્થ જણાવીએ તો આ એવા લોકો હોય છે કે જેઓ ગંભીર રીતે બીમાર હોય એવા દર્દીઓને હોસ્પિટલમાં જઈને મળે છે અને તેમનું મનોબળ વધારવાની સાથે સાથે તેમને હસાવવાનો, ખુશ કરવાનો પ્રયાસ કરે છે.
યેલની પત્ની હદાસ આ વિશે વાત કરતચાં જણાવે છે કે જે પરિવાર મુશ્કેલીમાં મૂકાયા છે, એમને કોઈ પ્રકારની સહાયની જરૂર હોવાની માહિતી મળતાં જ અમે લોકો એમની સહાય કરવા પહોંચી જઈએ છીએ. યુદ્ધને કારણે કામ વધી ગયું છે, જવાબદારીઓ વધી ગઈ છે. હું હાલમાં મારી ઓફિસ નથી જતી અને ઓનલાઈન જ કામ કરું છે. ઓનલાઈન એવા કપલ્સ સાથે વાત કરું છું કે જેમને મદદની જરૂર છે.
આ દંપતિનું એવું માનવું છે કે યુદ્ધને કારણે લોકોનું સ્ટ્રેસ, ચિંતાઓ વધી ગઈ છે, તેમના મન પર, શરીર પર ઉંડા ઘાવ પડ્યા છે અને એ ઘાવ ભરવા માટે આ કપલ રોજ હોસ્પિટલ જાય છે અને ત્યાં દાખલ દર્દીઓને એન્ટરટેઈન કરીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરે છે. તેઓ લોકોમાં એ વિશ્વાસ જગાવે છે કે આ મુશ્કેલ સમય પણ પસાર થઈ જશે અને ફરી બધું સામાન્ય થઈ જશે….
સલામ છે યેલ અને હદાસને… તેમની આ અનોખી દેશસેવાને…