ગાઝાની શાળા પર ઇઝરાયલના હુમલામાં ૨૭ જણનાં મોત…

દૈર-અલ-બલાહઃ ગાઝામાં વિશ્વભરના તમામ પ્રયાસો છતાં સ્થિતિમાં સુધારો દેખાતો નથી. ગુરૂવારે ઇઝરાયલના હુમલામાં લગભગ ૧૦૦ પેલેસ્ટિનિયનોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં ઉત્તરમાં એક શાળામાં આશ્રય લેનારા ૨૭ કે તેથી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ જાણકારી પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ આપી હતી.
ઇઝરાયલી સેનાએ દાવો કર્યો કે આ હુમલાનો હેતુ હમાસ પર નવું દબાણ લાવવાનો અને આતંકવાદી સમૂહને હાંકી કાઢવાનો હતો. આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ઝહીર અલ-વાહિદીએ જણાવ્યું કે ગાઝા શહેરના તુફાહ સ્થિત એક શાળામાંથી ૧૪ બાળકો અને પાંચ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે.
મૃત્યુઆંક હજુ પણ વધવાની સંભાવના છે. કારણ કે ૭૦ ઘાયલોમાંથી કેટલાકને ગંભીર ઇજાઓ થઇ છે. તેમણે હોસ્પિટલના રેકોર્ડને ટાંકીને જણાવ્યું કે શિજૈયા વિસ્તારમાં ઘરો પર થયેલા હુમલામાં ૩૦થી વધુ ગાઝા રહેવાસીઓ માર્યા ગયા હતા.
આ હુમલા બાદ ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે તેના ફાઇટર પ્લેન્સે ગાઝા સિટી વિસ્તારમાં મોટાભાગના હમાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર હુમલા કર્યા છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આ પગલાં લીધા હોવાનું સેનાએ જણાવ્યું હતું.
આ અગાઉ પણ ઇઝરાયલની સેનાએ આ જ કારણ દર્શાવીને સંયુક્ત રાષ્ટ્રની ઇમારત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ ૧૭ લોકોના મોત થયા હતા. આ બાજુ હમાસે શાળા પરના હુમલાની નિંદા કરતા તેને નિર્દોષ નાગરિકોનો જઘન્ય હત્યાકાંડ ગણાવ્યો હતો.
આપણ વાંચો : Myanmar Earthquake: ઇસરોએ શેર કરી ભૂકંપ પછીની નુકસાનની સેટેલાઈટ તસવીરો…