હમાસના કબજામાં રહેલા બંધકોને છોડાવવા માટે કેટલું સફળ રહ્યું ઇઝરાયલ?
હમાસે ઇઝરાયલ સામે માગણી મુકી છે કે તે ગાઝામાં બંધક બનાવાયેલા લોકોને છોડી મુકવાના બદલામાં ઇઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટાઇનના કેદીઓને છોડી મુકે. હમાસે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર કરેલા હુમલામાં 200 થી વધુ ઇઝરાયલના નાગરિકોનું અપહરણ કરી લીધું હતું અને તેમને ગાઝાની સીમા પર બંધક બનાવી રાખવામાં આવ્યા. બંધક બનાવેલા આ લોકોમાં કેટલાક અન્ય દેશોના નાગરિકો તેમજ કેટલાક બેવડી નાગરિકતા ધરાવતા લોકો પણ સામેલ છે.
હમાસના નેતા યાહ્યા સિનવારે હાલમાં જ જણાવ્યું હતું કે તેઓ ઇઝરાયલ સાથે કેદીઓની અદલાબદલી કરવા માટે તૈયાર છે. આમાં ઇઝરાયલની જેલમાં રહેલા પેલેસ્ટાઇનના કેદીઓને છોડી મુકવાની વાત પણ સામેલ છે. વર્ષ 2011માં ઇઝરાયલના એક સૈનિકને છોડી મુકવા માટે 1027 પેલેસ્ટાઇનના કેદીઓની અદલાબદલી કરવામાં આવી હતી. આ વખતે હમાસે યુદ્ધમાં મોટી સંખ્યામાં ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા છે. એવુ લાગી રહ્યું છે કે અમેરિકા અને કતારના હસ્તક્ષેપને કારણે અત્યાર સુધીની વાતચીત ઇઝરાયલની તરફેણમાં થઇ છે.
ઇઝરાયલ કોઇપણ વ્યક્તિને જીવંત અથવા મૃત ન છોડવામાં વિશ્વાસ ધરાવે છે. હમાસે યુદ્ધ વિરામના બદલામાં તમામ બંધકોને છોડી મુકવાની રજૂઆત કરી છે. જો કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ પહેલા જ હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી ચુક્યા છે. તેઓ કોઇ રાહત આપી શકે એમ નથી.
જો હમાસે ઇઝરાયલ સાથે વાટાઘાટો કરવી હશે તો બંધકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની રહેશે. જો કે હમાસ અને તેનાથી અલગ થયેલા સમૂહોએ ઇઝરાયલે કરેલા હવાઇ હુમલામાં કેટલાક બંધકોના મૃત્યુ થયા હોવાનો દાવો કર્યો છે. પરંતુ ઇઝરાયલે તેની પુષ્ટિ કરી નથી.
જો સૈન્યબળ વાપરવામાં આવે તો તેવા સંજોગોમાં પણ બંધકોનું મૃત્યુ થઇ શકે છે. હમાસ કદાચ કેટલાક વૃદ્ધો, મહિલાઓ અથવા બાળકોને છોડી મુકે તેવું શક્ય છે, પરંતુ તેનો બંધકોને કેટલાય વર્ષો સુધી કબજામાં રાખવાનો પણ એક ટ્રેક રેકોર્ડ છે. ઇઝરાયલી સૈનિક ગિલાદ શાલિતને 1000થી વધુ પેલેસ્ટાઇનના કેદીઓના બદલામાં છોડી મુકવાનો પ્રસ્તાવ હમાસે ભૂતકાળમાં મુક્યો હતો, જેને ઇઝરાયલે અસ્વીકાર કરતા સતત 5 વર્ષ સુધી ગિલાદ શાલિત હમાસના કબજામાં રહ્યો હતો.