ઇન્ટરનેશનલ

ઈઝરાયલે ફરી કર્યો ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 15 લોકોના મોત….

ઇઝરાયલી અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે સામાન્ય નાગરિકોની બલિ ચડી રહી છે. ઇઝરાયલ ગાઝા પર સતત હુમલાઓ કરી રહ્યું છે ત્યારે કાલે ફરીવાર ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા છે જ્યારે 60થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

ઈઝરાયલની સેનાએ પહેલા હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો અને પછી એમ્બ્યુલન્સ પાસે હુમલો કર્યો હતો. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેને જાણવા મળ્યું હતું કે હમાસ તેના આતંકવાદીઓ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહ્યું છે. આથી એમ્બ્યુલન્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે આ હુમલામાં હમાસના આતંકવાદીઓ માર્યા ગયા છે.

ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ યુદ્ધ ક્ષેત્ર છે. અહીંના નાગરિકોને અહી થી દુર કોઈ સુરક્ષિત સ્થળ પર મોકલી દો પરંતુ ગાઝા તરફથી પોતાના નાગરીકો માટે કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી. અને અમે હમાસના આતંકવાદીઓને કોઈ સંજોગોમાં છોડીશું નહિ એટલે હજુ પણ તેઓ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે મોકલી દે તો તે નાગરીકો માટે સારું છે.

નોંધનીય છે કે આ પહેલા ઈઝરાયલે ગાઝાની એક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે તેઓ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલુ જ રાખશે. તેમણે ગાઝામાં યુદ્ધવિરામનો સ્પષ્ટ ઇનકાર કરતા કહ્યું હતું કે જ્યાં સુધી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઈઝરાયલના નાગરિકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ યુદ્ધ રોકવા માટે સહમત નહીં થાય.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લગભગ એક મહિનો થવા આવ્યો છે. ઈઝરાયલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 9000થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 32000થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલના હુમલામાં 3700થી વધુ બાળકો માર્યા ગયા છે. ત્યારે ઇઝરાયલી સેનાએ હવે ગાઝામાં જમીન પર પણ હુમલાઓ શરૂ કરી દીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button