અચાનક એવું તે શું થઇ ગયું કે ઇઝરાયલને એક લાખ ભારતીય કામદારોની જરૂર પડી?
તેલ અવીવઃ ગાઝામાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ગાઝા એક યુદ્ધક્ષેત્ર બની ગયું છે. હમાસના હુમલા બાદ ઈઝરાયલ ઝડપી હુમલાઓ કરી રહ્યું છે અને એક પછી એક આતંકવાદી અડ્ડાઓનો નાશ કરી રહ્યું છે. હમાસ સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલને અચાનક 1 લાખ ભારતીય મજૂરોની જરૂર પડી છે. ઇઝરાયલ ભારતમાંથી લગભગ 1 લાખ મજૂરો લેવા માંગે છે. ઇઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશને ઇઝરાયલની બેન્જામિન નેતન્યાહૂ સરકાર પાસે 1 લાખ ભારતીય કામદારોની ભરતીની માંગ કરી છે.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયલી બિલ્ડર્સ એસોસિએશને બેન્જામિન નેતન્યાહુ સરકારને વિનંતી કરી છે કે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલી સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વર્ક પરમિટ ગુમાવી ચૂકેલા પેલેસ્ટાઈનીઓને બદલે ભારતીય કામદારોને કામ કરવાની છૂટ આપવામાં આવે. ઇઝરાયલી બિલ્ડર્સ એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું હતું કે તેઓ આ સંદર્ભે ભારત સાથે વાતચીત કરી રહ્યા છે અને હાલમાં તેને મંજૂરી આપવા માટે ઇઝરાયલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે અમને ભારતના લગભગ 50,000 થી 100,000 કર્મચારીઓને બાંધકામ ક્ષેત્રમાં કામ કરવા અને તેને સામાન્ય સ્થિતિમાં લાવવા માટે સામેલ કરવાની છૂટ આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર લગભગ 90,000 પેલેસ્ટિનિયન યુદ્ધ શરૂ થયા પહેલા ઇઝરાયલમાં કામ કરતા હતા.
જો કે, 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના આતંકવાદીઓ દ્વારા ઘાતકી હુમલા બાદ હવે તેમને ઈઝરાયલમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આના કારણે ઇઝરાયલના બાંધકામ ઉદ્યોગમાં ભારે મંદી આવી છે. આ જ કારણે ઈઝરાયલમાં 1 લાખ ભારતીય કામદારોની સખત જરૂર છે.
નોંધનીય છે કે ભારત અને ઈઝરાયલે આ વર્ષના મે મહિનામાં બાંધકામ અને નર્સિંગ ક્ષેત્રે 42,000 ભારતીય કામદારોને ઈઝરાયલમાં કામ કરવાની મંજૂરી આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય કામદારો ઓછા વેતને સારુ કામ કરતા હોવાથી અહીં તેમની ડિમાન્ડ છે, ઉપરાંત આ પગલાથી ઇઝરાયલને જીવનનિર્વાહની વધતી કિંમતનો સામનો કરવામાં પણ મદદ મળશે તેવી અપેક્ષા છે.
ભારતમાં વિશ્વમાં સૌથી વધુ કામ કરતા વસ્તી છે અને સેંકડો ભારતીય કામદારો પહેલેથી જ મધ્ય પૂર્વમાં કામ કરી રહ્યા છે. હાલમાં, તે સ્પષ્ટ નથી કે નવી ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે કે તેઓ હાલના સોદામાં ફેરફાર કરશે કારણ કે જૂની ડીલ મુજબ બાંધકામ અને નર્સિંગ બંને ક્ષેત્રો માટે માત્ર 42,000 કામદારોને મંજૂરી આપવામાં આવેલી છે.