ગાઝાની આ યુનિવર્સિટી પર ઈઝરાયલ એર ફોર્સનો ભીષણ હુમલો

ગાઝાઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ ધીમે ધીમે વકરી રહ્યું છે, ત્યારે તાજેતરમાં ઈસ્લામિક યુનિવર્સિટી પર ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના એરફોર્સે દાવો કર્યો છે કે ઈસ્લામિક યુનિવર્સિટીમાં હમાસના એન્જિનિયર ટ્રેનિંગ લઈ રહ્યા હતા, જ્યારે આ ટ્રેનિંગનો સૌથી મોટો અડ્ડો છે.
એરફોર્સે સૌથી મોટો દાવો કર્યો છે કે આ યુનિવર્સિટીમાં હમાસના એન્જિનિયરને તાલીમ આપવામાં આવતી હતી. ફાઈટર જેટ મારફત યુનિવર્સિટીના કેમ્પસમાં હુમલો કરવામાં આવ્યો હતો.
યુનિવર્સિટી ગાઝા માટે રાજકીય અને લશ્કરી યુનિટ માટે કામકાજ કરતું હતું, જ્યારે ત્યાં હથિયારો પણ બનાવવામાં આવતા હતા, એવો આર્મીએ દાવો કર્યો છે. ઈઝરાયલની આર્મીના સત્તાવાર એકાઉન્ટ એક્સ (ટવિટર) પર બોમ્બમારાની તસવીર શેર કરી છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે પોતાના એકાઉન્ટ પર તસવીર શેર કરી છે, જેમાં હમાસના એજ્યુકેશન સેન્ટરને ધ્વંસ કરવામાં આવ્યું છે, જે રાજકીય અને લશ્કરી કેન્દ્ર હતું.
આ યુનિવર્સિટીમાં હમાસે ટ્રેનિંગ કેમ્પ બનાવ્યો હતો, જ્યારે શસ્ત્રો બનાવવામાં આવતા હતા. અહીંના લોકોને મિલિટરી ઈન્ટેલિજન્સની તાલીમ આપવામાં આવતી હતી. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધનો આજે ચોથો દિવસ છે, જેમાં બંને સેનાએ આમનેસામને જોરદાર હિંસક હુમલા કર્યા છે.
ઈઝરાયલ આર્મીએ કહ્યું હતું કે એક ડઝનથી વધુ એર ક્રાફ્ટ મારફત 200થી વધુ જગ્યા પર હુમલા કર્યા છે, જ્યારે આ યુદ્ધમાં બંને દેશમાં મૃતકની સંખ્યા 3,500 તથા 10,000થી વધુ લોકો ઘાયલ થયા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે ભીડવાળા વિસ્તારમાં 950થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં બાળક અને મહિલાઓનો સમાવેશ થાય છે.