Gaza Tragedy: ગાઝામાં એક તરફ ભૂખમરો, ઉપરથી ઇઝરાયલી સેનાનો ગોળીબાર!
ઈઝરાયલ(Israel)ના સતત હુમલા અને બોર્ડર સીલ કરી દેવાને કારણે ગાઝા(Gaza)માં વસતા પેલેસ્ટીનિયન નાગરીકોની હાલત સતત દયનીય બની રહી છે. ખોરાકના પુરવઠાના અભાવે ગાઝામાં લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ઇઝરાયલે યુનાઇટેડ નેશન્સ(United Nation) તરફથી મળતી માવીય સહાય પણ રોકી દીધી છે. એવામાં ફૂડ પેકેટ (Food Packet) લેવા જઈ રહેલા પલેસ્ટીનીયન નાગરીકો પર ઇઝરાયેલી આર્મીએ ગોળીબાર કર્યો હતો, જેના કારણે 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જયારે ઇઝરાયલ આર્મી આ ઘટનાને નકારી કાઢી છે.
અંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ મુજબ, પેલેસ્ટિનિયન (Palestinians) અધિકારીઓએ જણવ્યું કે ઉત્તરી ગાઝામાં એક દુ:ખદ ઘટના બની હતી, રાહત સામગ્રી લઈને આવેલા ટ્રક ફરતે એકઠા થયેલા ભૂખ્યા પેલેસ્ટીનિયન નાગરીકો પર ઇઝરાયલી આર્મીએ ગોળીબાર કર્યો હતો, જેમાં 10૦થી વધુ લોકોએ માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે.
યુનાઇટેડ નેશન્સ(UN)ના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં ખાદ્ય સહાય મેળવવા ગયેલા લોકો પર થયેલા આ ભયાનક હુમલાની સખત નિંદા કરી છે. યુએન ચીફના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે જણાવ્યું હતું કે, “ગાઝામાં નાગરિકોને તાત્કાલિક મદદની જરૂર છે, જેમાં ઉત્તરી ગાઝાનો સમાવેશ થાય છે, જ્યાં એક અઠવાડિયાથી વધુ સમયથી યુએન સહાય પહોંચાડી શક્યું નથી.” જો કે યુનાઈટેડ નેશન્સે આ દુ:ખદ ઘટનાઓની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે સહાય ટ્રકો પાસે ફૂડ પેકેટ્સ મેળવવા લોકો એકઠા થયા હતા. ઇઝરાયલી દળોએ ગોળીબાર શરૂ કરતાં જ અરાજકતા ફેલાઇ ગઇ હતી. ટ્રક નીચે કચડાઈને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 104 લોકો મૃત્યુ પામ્યા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા. બીજી તરફ ઈઝરાયેલની સેનાએ આ ઘટનાને અલગ સ્વરૂપમાં રજૂ કરી છે. એક બ્રીફિંગ દરમિયાન, ઇઝરાયેલી સૈન્ય પ્રવક્તાએ મૃત્યુના આંકડા અંગે શંકા વ્યક્ત કરી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ મૃત્યુઆંકની પુષ્ટિ કરી શક્યા નથી અને તેમણે બે અલગ-અલગ ઘટનાઓનું ઉલ્લેખ કર્યો હતો.
પ્રથમ ઘટનામાં ટ્રક ઉત્તર ગાઝા તરફ ગઈ હતી અને ભીડથી ઘેરાઈ ગઈ હતી અને આ દરમિયાન કેટલાક લોકો કચડાઈ ગયા હતા. પેલેસ્ટિનિયનોનું એક જૂથ ઇઝરાયલી દળો પાસે પહોંચ્યું હતું, જેમણે કથિત રીતે તેમના પર ગોળીબાર કર્યો હતો. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હરગારીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સહાય ટ્રક પર પર કોઈ હુમલો થયો નથી.