ઇઝરાયેલે યુદ્ધ વિરામ કરાર ઉથલાવ્યો; ગાઝામાં ઘાતક એર સ્ટ્રાઈક, 100 થી વધુના મોત

તેલ અવિવ: હમાસ અને ઇઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધ વિરામના પહેલા તબક્કામાં બને તરફથી બંધકોને છોડવામાં આવ્યા હતાં અને વિસ્થાપિત થયેલા પેલેસ્ટીનીયન્સને ઘરે પરત ફરવાની મંજુરી આપવામાં આવી હતી, ત્યાર બાદ શાંતિ સ્થાપવાની આશા દેખાઈ હતી. એવામાં ઈઝરાયેલે ફરીથી ગાઝા પર એર સ્ટ્રાઈક શરુ (Israel Air strike in Gaza) કરી છે, આ સાથે જ ઈઝરાયેલે યુદ્ધવિરામ કરારને એકપક્ષીય રીતે ઉથલાવી દીધો છે. ઇઝાયેલની એર સ્ટ્રાઈકમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં 100થી પેલેસ્ટિનિયનો માર્યા ગયા, મૃતકોમાં મોટાભાગના મહિલાઓ અને બાળકોનો છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે. પેલેસ્ટિનિયન સિવિલ ઇમરજન્સી સર્વિસે ગાઝા પર 35થી એર સ્ટ્રાઈકની જાણ કરી છે.
ગાઝામાં તૈનાત ડોક્ટરો અને સાક્ષીઓના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝાના દેઇર અલ-બલાહમાં ત્રણ ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો, ગાઝા શહેરમાં એક ઇમારત પર હુમલો કરવામાં આવ્યો હતો, અને ખાન યુનિસ અને રફાહમાં પણ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયેલને અમેરિકાનું પીઠબળ:
અહેવાલ અનુસાર ગાઝા પર ઇઝરાયલી હુમલામાં આર્મ્ડ રેઝિસ્ટન્સ ગ્રુપ હમાસના વરિષ્ઠ અધિકારી મહમૂદ અબુ વત્ફાનું મોત થયું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અને ઇઝરાયલ સુરક્ષા એજન્સીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ગાઝા પટ્ટીમાં હમાસના ટાર્ગેટ્સ પર હુમલાઓ કરી રહ્યા છે. અહેવાલ મુજબ સોમવારે ગાઝા હુમલા માટે ઇઝરાયલ દ્વારા વ્હાઇટ હાઉસની સલાહ લેવામાં આવી હતી.
આ પણ વાંચો…ટ્રમ્પે બાઈડેનને આપ્યો ઝટકો, પુત્ર અને પુત્રીની સિક્રેટ સર્વિસ હટાવી
ઈઝરાયેલે યુદ્ધવિરામ કરાર ઉથલાવ્યો:
હમાસે બંધક બનાવેલા ઈઝરાયેલી બંધકોની સલામત રીતે ઇઝરાયલ પરત ફર્યા છતાં ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમની સરકારે યુદ્ધવિરામ કરારને ઉથલાવી દેવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે યુદ્ધ વિરામ કરાર લાગુ થયા બાદ પર ઇઝરાયેલે કરારનું ઉલંઘન કર્યાના અહેવાલો વારંવાર પ્રકાશિત થતા હતાં, જેના કારણે હમાસે વધુ બંધકોને મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. જેના જવાબમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે ગાઝામાં હમાસ સામે “કડક કાર્યવાહી” કરવા સૈન્યને સૂચના આપી છે.
વડા પ્રધાન કાર્યાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, “ઇઝરાયલ હવેથી હમાસ સામે વધુ લશ્કરી તાકાત સાથે કાર્યવાહી કરશે.”
ગાઝાના આરોગ્ય અધિકારીઓના મતે યુદ્ધ શરુ થયા બાદ, 48,000 થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે અને ગાઝાની લગભગ 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે.