મહાયુદ્ધના ભણકારા: ઇઝરાયલ ટૂંક સમયમાં ઈરાન પર મોટો હુમલો કરશે! લીક થયેલા USના સિક્રેટ રીપોર્ટસમાં દાવો

ન્યુ યોર્ક: મધ્યપૂર્વમાં સંકટ દિવસેને દિવસે વધુ ઘેરાઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ઇઝરાયલ ગાઝા પર સતત હુમલા કરી નરસંહાર રહ્યું છે, ત્યાર બાદ હવે ઇઝરાયલે લેબનાનને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. બીજી તરફ એવા અહેવાલો છે કે ઈઝરાયેલ ઈરાન પર મોટા હુમલાની યોજના (Israel planning to attack on Iran) બનાવી રહ્યું છે, ત્યારે યુદ્ધનો વધુ એક મોરચો ખુલે તેવી શકયતા છે.
લીક થયેલા અમેરિકન ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, યુએસના એક પ્રમુખ અખબારના અહેવાલ મુજબ અમેરિકન ગુપ્તચર એજન્સીના બે અત્યંત સિક્રેટ રીપોર્ટસ લીક થયા છે. તેમાં ઈરાન પર હુમલો કરવાની ઈઝરાયેલી સેનાની યોજનાનો ઉલ્લેખ છે. આ રીપોર્ટસ નેશનલ જીઓસ્પેશિયલ-ઈન્ટેલીજન્સ એજન્સી (NGA) પાસેથી પ્રાપ્ત થયા છે. આ એજન્સી અમેરિકન જાસૂસી ઉપગ્રહોના ફોટોગ્રાફ્સ અને માહિતીનું વિશ્લેષણ કરે છે. આ રીપોર્ટસમાં ઈઝરાયેલની સૈન્ય ગતિવિધિઓ અને હુમલાની તૈયારીઓ વિશેની માહિતી છે.
15 અને 16 ઓક્ટોબરની તારીખના આ રીપોર્ટસ ટેલિગ્રામ પર ઈરાનને સમર્થન આપતા ગ્રુપ્સમાં સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે. તેમાં ઇઝરાયેલની સેનાના બેઝની સેટેલાઇટ ઈમેજ છે. જેમાં ઈઝરાયેલની સેના ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહી હોય એવા સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલે ઈરાનની સેનાના અધિકારીઓની હત્યા કર્યા બાદ, 1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ અટેક કર્યો હતો. ઈઝરાયલ આ હુમલાનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાન લેબનાન અને હમાસને સતત સમર્થન આપી રહ્યું છે.
અહેવાલ મુજબ અમેરિકન અધિકારી પાસેથી પણ હુમલાની શકયતા આ અંગે માહિતી મળી છે. પેન્ટાગોન, અમેરિકન ગુપ્તચર એજન્સીઓ અને એફબીઆઈએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ માહિતી કેવી રીતે લીક થઈ અને કેટલાક વધુ દસ્તાવેજો પણ લીક થઈ શકે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
રીપોર્ટસમાં ઇઝરાયેલની સૈન્ય કવાયતનો ઉલ્લેખ છે. એવું અનુમાન છે કે આ સૈન્ય કવાયત ઈરાન સામે મજબૂત હુમલાની તૈયારી માટે થઇ રહી છે. માહિતી અનુસાર, આ તૈયારીઓમાં ફાઈટર એરક્રાફ્ટનું એર-ટુ-એર રિફ્યુઅલિંગ, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન અને નવી જગ્યાઓ પર મિસાઈલ સિસ્ટમ લગાવવાનો સમાવેશ થાય છે.
બીજો દસ્તાવેજ દર્શાવે છે કે ઈઝરાયલ યુદ્ધસામગ્રી અને અન્ય સૈન્ય સરંજામ વ્યૂહાત્મક સ્થળોએ સ્થાનાંતરિત કરી રહ્યું છે. જોકે રીપોર્ટસમાં સેટેલાઇટ ઇમેજ જોડવામાં અવી નથી. જો કે ઈઝરાયેલની સેના ઈરાન પર હુમલો કરવા માટે આ કવાયત કરી રહી છે એ સ્પષ્ટ નથી.