Israel-Iran: ઈરાન ઇઝરાયલ પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે, જો બાઈડેનનો દાવો, ભારતનું વલણ શું રહેશે?
મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે, એક તરફ ઇઝરાયલ ગાઝા(Israel-Gaza war) પર સતત હુમલા કરી પેલેસ્ટીનિયન નાગરીકોની હત્યા કરી રહ્યું છે, ટીકા છતાં ઇઝરાયલે હુમલા ચાલું રાખ્યા છે. ત્યારે ઈરાન ઇઝરાયલ(Iran-Israel war) પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે. જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડે(Joe Biden)ને પણ આ અંગે ચેતવણી આપી છે. જો બાઈડેને કહ્યું છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકના એક પ્રમુખ અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાન આગામી બે દિવસમાં કોઈ પણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલાની તૈયારી ચાલી રહી છે. આવી સ્થિતિમાં ભારત, અમેરિકા અને ફ્રાન્સ સહિત છ દેશોએ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે અને બંને દેશોની યાત્રા ટાળવા કહ્યું છે.
1 એપ્રિલના રોજ ઇઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસ(Damascus)માં ઈરાનના દુતાવાસ પર હુમલો કરી ઈરાની સેનાના ટોચના જનરલ અને અન્ય છ સૈન્ય અધિકારીઓની હત્યા કરી હતી. ઈરાન હવે આ હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલાની તૈયારી કરી રહ્યું છે.
જો બાઈડેને પૂછવામાં આવ્યું કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો ક્યારે કરશે, તેમ ણે પત્રકારોને જણાવ્યું કે, “હું વિગતોમાં જવા માંગતો નથી, પરંતુ એવી શક્યતા છે કે ઈરાન શક્ય તેટલી વહેલી તકે ઈઝરાયેલ પર હુમલો કરશે.”
જો બાઈડેને ઈરાનને ઈઝરાયેલ પર હુમલો ન કરવાની અપીલ કરી છે. યુસએની એક ન્યુઝ ચેનલ અહેવાલ મુજબ, જ્યારે વ્હાઇટ હાઉસમાં પત્રકારોએ બિડેનને પૂછ્યું કે શું અમેરિકન સૈનિકો જોખમમાં છે? ત્યારે બાઈડેને કહ્યું કે અમેરિકા ઈઝરાયેલના સંરક્ષણ માટે સમર્પિત છે. અમે ઇઝરાયેલને સમર્થન આપીશું, અમે ઇઝરાયેલના બચાવમાં મદદ કરીશું અને ઇરાન તેની યોજનાઓમાં સફળ નહીં થાય.
આપણ વાંચો
Israel Hamas War: ગાઝા યુદ્ધ વકરી શકે છે; અમેરિકી વિદેશ પ્રધાનનો દાવો
અહેવાલો મુજબ ઇઝરાયલ સામે યુદ્ધ થશે તો મધ્ય પૂર્વના દેશો તેનું સમર્થન કરે તેવી શક્યતા છે. મધ્ય પૂર્વના સૌથી મોટા દેશ સાઉદી અરેબિયા સાથે ઈરાનના તાણવપૂર્ણ સંબંધો હોવા છતાં તે ઈરાનને સાથ આપે એવી શક્યતા છે. જો ઈઝરાયેલ સાથે યુદ્ધ થશે તો ઈરાક, સીરિયા, લેબેનોન, તુર્કી, કતાર, જોર્ડન જેવા આરબ મુસ્લિમ દેશો ઈરાનના પક્ષમાં ઉભા રહેશે. મુસ્લિમ દેશો સિવાય પણ ઘણા એવા દેશ છે જે ઈરાન સાથે આ યુદ્ધમાં ઉભા રહી શકે છે. આ દેશોમાં સૌથી મહત્વનો દેશ છે રશિયા, જે ઈરાનનો સાથી દેશ રહ્યો છે.
એવામાં જોવાનું એ રહેશે કે યુદ્ધ થશે તો ભારતનું વલણ શું હશે? ભારત એવા દેશોમાં સામેલ છે જે હંમેશા યુદ્ધની સ્થિતિમાં તટસ્થતાની નીતિ અપનાવે છે. ભારતના ઈઝરાયેલ અને ઈરાન બંને સાથે સારા સંબંધો છે, યુદ્ધની સ્થિતિમાં ભારત કોઈ પણ દેશ સાથે સંબંધો બગાડવા ઈચ્છશે નહીં. જો યુદ્ધ થાય તો ભારત તટસ્થતાનો માર્ગ અપનાવી બંને દેશોને શાંતિ માટે અપીલ કરી શકે છે.