ઇન્ટરનેશનલ

Israel-Hamas War: ગાઝાની હોસ્પિટલમાંથી ઈઝરાયલની આર્મીએ 100 આતંકવાદી ઝડપ્યા

હમાસ વિરુદ્ધ યુદ્ધ લડી રહેલી ઈઝરાયેલની સેનાને મોટી સફળતા મળી છે. ઈઝરાયેલના સુરક્ષા દળોએ સોમવારે માહિતી આપી હતી કે ઈઝરાયેલી સૈનિકોએ ઉત્તરી ગાઝામાં કમલ અડવાન હોસ્પિટલમાં રેઇડ દરમિયાન લગભગ 100 શંકાસ્પદ હમાસ આતંકવાદીઓને ઝડપી લીધા છે. જો કે આ દરમિયાન ગાઝાના આરોગ્ય અધિકારીઓ અને હમાસે હોસ્પિટલમાં કોઈપણ આતંકવાદીઓની હાજરીનો ઈન્કાર કર્યો છે. ગયા અઠવાડિયે શુક્રવારે ઇઝરાયેલી સેનાએ આ હોસ્પિટલ પર હુમલો કર્યો હતો.

આતંકીઓની ધરપકડ:
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, “સૈનિકોએ પરિસરમાંથી લગભગ 100 આતંકવાદીઓને પકડ્યા છે, જેમાં તે આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે જેમણે નાગરિકોને બહાર કાઢવા દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલની અંદરથી તેમને હથિયારો, આતંકવાદી ભંડોળ અને ગુપ્તચર દસ્તાવેજો મળ્યા હતા.”

આટલા લોકોના થઈ ચૂક્યા છે મોત:
નોંધનીય છે કે ગાઝામાં પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે હમાસ અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં 43,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

એક વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ:
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ યુદ્ધ અટકવાના કોઈ અણસાર દેખાઈ રહ્યા નથી. આ યુદ્ધની શરૂઆયાતના સમયે હમાસના આતંકવાદીઓએ ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને લગભગ 1200 ઈઝરાયેલી નાગરિકોની હત્યા કરી હતી અને 250 લોકોને બંધક બનાવી લીધા હતા. ઇઝરાયેલે વળતો જવાબ આપ્યો અને ગાઝામાં મોટાપાયે બોમ્બમારો શરૂ કર્યો હતો, જો કે તે હજુ પણ ચાલી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button