ઇન્ટરનેશનલ

ઈઝરાયલ-હમાસ યુદ્ધ તેની ચરમસીમા પર, હવે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ…

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેની ચરમસીમા પર છે. રવિવારે ઇઝરાયલી દળો ગાઝામાં ઘૂસી ગયા હતા અને તે સમયે ઇઝરાયલી સેના અને હમાસના આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ દરમિયાન ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાઓ કરવાનું પણ શરૂ કર્યું હતું. ગઈકાલે રાત્રે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમના ટોચના સેનાપતિઓ અને અધિકારીઓ સાથે આ મામલે બેઠક યોજી હતી.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલે હમાસ પર જમીની હુમલો કર્યો છે, પરંતુ હજુ સુધી ઇઝરાયલી સેના દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે ગાઝા બોર્ડર પર ઈઝરાયલ સૈન્ય મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. ઇઝરાયલના લશ્કરી અધિકારીઓનું કહેવું છે કે જમીન પર પણ ટૂંક સમયમાં આક્રમણ કરવામાં આવશે.

ઇઝરાયલે લેબનોન સાથેની ઉત્તરી સરહદ પર બોમ્બમારો વધાર્યો છે. પીએમ નેતન્યાહુએ હિઝબુલ્લાહ કે જે હમાસનો ખાસ સહયોગી છે તેને ચેતવણી આપી છે કે જો તે આ યુદ્ધમાં કૂદી પડશે તો તે મોટી ભૂલ હશે. ઇઝરાયલના સૈન્ય પ્રવક્તા જોનાથન કોનરિકસે ચેતવણી આપી હતી કે તેઓ પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યા છે.

સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે કોઈએ આ સમયનો લાભ લઇને ઇઝરાયલ પર વધુ હુમલા કરવા નહિ, નહિતો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. આ દરમિયાન ગાઝામાં માનવતાવાદી સહાય પણ પહોંચાડવામાં આવી રહી છે. ગાઝામાં માનવતાવાદી કટોકટી અંગે ચિંતા વધી છે, સંયુક્ત રાષ્ટ્રને ખોરાક, પાણી, દવા અને બળતણનો પુરવઠો ઘટવાને કારણે ભયંકર પરિસ્થિતિનો ડર છે.

અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કેનેડા અને ઈટલીએ ફરી એક વખત કહ્યું હતું કે તેઓ આ સંકટની ઘડીમાં ઈઝરાયલની સાથે છે. જો કે, તેમણે ગાઝામાં નાગરિકોની સુરક્ષા કરવાની પણ વિનંતી કરી. નેતાઓએ બાકીના તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા પણ હાકલ કરી હતી.

હમાસે ઈઝરાયલના 75 વર્ષના ઈતિહાસમાં સૌથી ખરાબ હુમલો કરવા માટે સરહદ પાર કરી હતી. તેઓએ ઈઝરાયલ પર રોકેટનો વરસાદ કર્યો હતો. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1400થી વધુ ઈઝરાયલના લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ ઈઝરાયલના જવાબી હુમલામાં 4600થી વધુ લોકો માર્યા ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button