ઇન્ટરનેશનલ

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં કરેલા હવાઇ હુમલામાં 33 લોકોના મોત, 130થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા

તેલ અવીવ : ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ગાઝા પટ્ટીમાં 33 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, તેણે છેલ્લા 24 કલાકમાં સંઘર્ષગ્રસ્ત ગાઝા ક્ષેત્રમાં 130થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે.

આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ યુદ્ધવિરામની શક્યતાઓ પર ચર્ચા કરવા માટે અમેરિકા જવાના છે.જ્યાં તેઓ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે.

આપણ વાંચો: ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી આયાતુલ્લાહ ખામેની પહેલી વાર જાહેરમાં દેખાયા

ટ્રમ્પે હમાસને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો

ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામ માટે પ્રારંભિક યોજના રજૂ કરી છે જેમાં 60 દિવસનો યુદ્ધવિરામનો પ્રસ્તાવ છે. આ અંતર્ગત, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકોને માનવતાવાદી સહાય વધારવાના બદલામાં મુક્ત કરવામાં આવ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય 21 મહિનાથી ચાલતા યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવા માટે વાટાઘાટો શરૂ કરવાનો છે.

બે રહેણાંક ઇમારતોને નિશાન બનાવવામાં આવી

ગાઝા શહેરના મુખ્ય તબીબી કેન્દ્ર, શિફા હોસ્પિટલના ડિરેક્ટર મોહમ્મદ અબુ સેલમિયાના જણાવ્યા અનુસાર, ઇઝરાયલી હુમલામાં ગાઝા શહેરમાં બે રહેણાંક ઇમારતોને નિશાન બનાવવામાં આવી હતી.જેમાં 20 લોકો માર્યા ગયા હતા અને 25 અન્ય ઘાયલ થયા હતા.

આપણ વાંચો: ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂને ભ્રષ્ટાચારના કેસ રાહત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા

વિસ્થાપિત લોકો તંબુમા

જ્યારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં સ્થિત નાસેર હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુવાસી નામના વિસ્તારમાં ઇઝરાયલી બોમ્બમારા દરમિયાન 13 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. મુવાસી એક એવો વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો તંબુઓમાં રહે છે.

હમાસ કમાન્ડ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું

ઇઝરાયલી સેનાએ હુમલાઓની પુષ્ટિ કરી અને કહ્યું કે તેણે હમાસ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરો, શસ્ત્રો સંગ્રહ સ્થળો અને લશ્કરી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર, ઉત્તરી ગાઝામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. જોકે, સેનાએ નાગરિકોના મોતની સંખ્યા અંગે કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરી નથી. આ પરિસ્થિતિ ગંભીર છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર હવે વોશિંગ્ટનમાં સંભવિત યુદ્ધવિરામ વાટાઘાટો પર ટકેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button