તેલ અવીવઃ ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પૂરા થવાના કોઇ લક્ષણો દેખાતા નથી. દિવસે દિવસે બંને વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. હવે ઇઝરાયલની ડિફેન્સ ફોર્સ (IDF)એ તેના કેનાઇન યુનિટ ઓકેટ્ઝને હમાસ આતંકવાદીઓ સામે મેદાનમાં ઉતાર્યા છે.
આ IDF યુનિટમાં સામેલ ‘શ્વાનો’ હમાસ માટે ડરનો નવો પર્યાય બનવા જઈ રહ્યા છે. ઈઝરાયેલની સેનાએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં આ શ્વાનો દોડીને આતંકવાદીઓ પર હુમલો કરી રહ્યાં છે. ઇઝરાયલના આ યુનિટે કિબુત્ઝ બેરીમાં 200 ઈઝરાયેલને બચાવવા અને 10 હમાસ આતંકવાદીઓને મારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
IDF ના આ ઉચ્ચ પ્રશિક્ષિત શ્વાન હુમલો, શોધ અને બચાવ, વિસ્ફોટક શોધ અને હથિયાર શોધ સહિતની વિવિધ ભૂમિકાઓ કરે છે, જેના કારણે લડાઇમાં તેમની જમાવટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમના એક મિશન દરમિયાન નૌરુ નામનો શ્વાન મૃત્યુ પામ્યો હતો. જો કે, મરતા પહેલા તેણે આતંકવાદીઓનું લોકેશન જણાવ્યું હતું અને કૂતરાએ આપેલા લોકેશન પર પહોંચ્યા બાદ ઈઝરાયેલી સેનાએ આતંકીઓને ઠાર કર્યા હતા. આ પછી નૌરુને પણ નિયમો અનુસાર દફનાવવામાં આવ્યો હતો.
ઈઝરાયેલી સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશનને વધુ તેજ કરી દીધું છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે IDFએ વધુ 47 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
ઇઝરાયલની સેનાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હમાસ ગાઝાના લોકોને સલામત રીતે દક્ષિણ ગાઝા પહોંચતા અટકાવે છે અને પછી તેના આતંકવાદીઓ સુરંગોના નેટવર્કમાં છુપાઈ જાય છે. IDF ટુકડીઓએ ઉત્તરી ગાઝામાં ઓપરેશનલ પ્રવૃત્તિઓ દરમિયાન ઘણા એક્સેસ પોઈન્ટ પણ શોધી કાઢ્યા હતા.