ઇઝરાયલ, હમાસ યુદ્ધવિરામ માટે તૈયાર, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ સહમતિ થતી નથી
ગાઝા: ગાઝા પટ્ટી પર ઈઝરાયલી સેના અને હમાસના આતંકવાદીઓ વચ્ચે આજે પણ યુદ્ધ ચાલુ છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે ઇજિપ્તના સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ બંને ફરી એકવાર યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે તૈયાર છે. પરંતુ કેટલીક બાબતો છે જે વિશે ના તો ઇઝરાયલ માનવા તૈયાર છે નાતો હમાસ ત્યારે યુદ્ધવિરામ કેવી રીતે શક્ય છે તે અંગે કોઇ માહિતી નથી. નોંધનીય છે કે યુદ્ધવિરામ દરમિયાન ઘણા કેદીઓ અને બંધકોને એકબીજાને સોંપવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ફરી હુમલા શરૂ કરી દેવામાં આવ્યા હતા.
અગાઉ ઇજિપ્ત અને કતારે એક સપ્તાહના યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે વાતચીત કરી હતી, ત્યારે આ વખતે પણ ઇઝરાયલના ઇન્ટેલિજન્સ ચીફે શુક્રવારે કતારના વડા પ્રધાન સાથે વાત કરી હતી. હમાસ સાથે વાત કરતા હમાસે એવું કહ્યું હતું કે પહેલા તમે અમારા તમામ બંધકોને છૂટા કરો તેમજ ઇઝરાયલી સેના અમારી તમામ સરહદો પરથી પરત ફરે ત્યારબાદ અમે આગળની કાર્યવાહી કરીશું. ત્યારે ઇઝરાયલ આ વિષય પર ચર્ચા કરી રહ્યું છે કોરણકે હમાસ પર ઇઝરાયલ એમ સીધો વિશ્ર્વાસ મૂકી દે તે પણ શક્યતાઓ નહિવત છે.
કેટલાક અહેવાલ પ્રમાણે ઈઝરાયલે પીછેહઠ કરવાનો ઈન્કાર કરી દીધો છે. હમાસનું કહેવું છે કે બંધકોની મુક્તિ માટે સંપૂર્ણ યુદ્ધવિરામ હોવો જોઈએ. ઇઝરાયલના સૈન્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે ઇઝરાયલી સેના કોઇપણ સંજોગોમાં હમાસને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.