ઇન્ટરનેશનલ

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે દિલ્હીમાં હાઈ એલર્ટ

વિરોધ પ્રદર્શનની આડમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો થઇ શકે છે

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની પરોક્ષ અસર હવે ભારતના શહેરોમાં પણ દેખાઈ રહી છે. ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીની સાથે ઘણા શહેરો માટે એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓનું કહેવું છે કે દેશની રાજધાની સહિત અનેક શહેરોમાં પ્રદર્શનની આડમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે.

આ ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ દિલ્હી પોલીસ હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ દિલ્હીના તમામ જિલ્લાના અધિકારીઓ શુક્રવારની નમાજ દરમિયાન ભારે પોલીસ બળ સાથે રસ્તા પર હાજર રહેશે. ઈનપુટ મુજબ દિલ્હી સહિત અન્ય કેટલાક શહેરોમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ શકે છે. દિલ્હી પોલીસે ઈઝરાયલની એમ્બેસી સહિત યહૂદીઓ અને યહૂદી ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા તમામ સ્થળો પર સુરક્ષા વધારી દીધી છે.

7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. ઇઝરાયલ એરફોર્સ (IDF)ના જણાવ્યા અનુસાર, હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1200 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા છે. ત્રણ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસના આતંકવાદીઓએ 95થી વધુ પરિવારોના સભ્યોને બંધક બનાવ્યા છે. IDF અનુસાર, હમાસ અત્યાર સુધીમાં ઇઝરાયલ પર પાંચ હજારથી વધુ રોકેટ છોડ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેલેસ્ટાઈનમાં 900 થી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 4 હજાર લોકો ઘાયલ છે.


આ યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયલની તરફેણમાં ઊભું રહ્યું છે. જો બાઇડેન આતંકવાદ પર નિશાન સાધતા સતત ઈઝરાયલના પક્ષમાં નિવેદનો આપી રહ્યા છે. બિડેને હમાસના હુમલાને ભયાનક ક્રૂરતા ગણાવ્યો છે. એટલું જ નહીં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન હાલ ઈઝરાયેલના પ્રવાસે છે.


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ હમાસની બર્બરતાની ઘણી તસવીરો બ્લિંકનને બતાવી છે. કેટલાક ફોટામાં બાળકોના કાળા અને બળેલા મૃતદેહ દેખાય છે. ઈઝરાયલનું કહેવું છે કે આ બાળકોની હત્યા હમાસના આતંકવાદીઓએ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકી સંગઠન હમાસે આ હુમલાને અંજામ આપવાની આખી યોજના પહેલાથી જ તૈયાર કરી લીધી હતી. હમાસના 5 એકમો દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button