Israel એ ગાઝાના રફાહ પર બોમ્બમારો કર્યો, 35 લોકો માર્યા ગયા
તેલ અવિવ : ઈઝરાયેલ(Israel)અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી યુદ્ધ(War) ચાલી રહ્યું છે. આ યુદ્ધ દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. હમાસને સમાપ્ત કરવા માટે ઈઝરાયેલની સેના સતત હવાઈ અને જમીની હુમલા કરી રહી છે. જયારે હમાસે રવિવારે ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પર રોકેટથી હુમલો કર્યો હતો. તેની બાદ ઇઝરાયેલે ગાઝા પટ્ટીના સૌથી દક્ષિણી શહેર રફાહમાં જોરદાર બોમ્બમારો કર્યો. જેમાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા હતા. તેમજ અન્ય ઘણા લોકો સળગતા કાટમાળ નીચે ફસાયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ઈઝરાયેલ સેનાએ 8 રોકેટ છોડ્યા
રફાહમાં હજારો પેલેસ્ટિનિયન શરણાર્થીઓ યુએન રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીના વેરહાઉસની નજીક તંબુઓમાં રહે છે. જ્યાં ઇઝરાયેલી દળોએ રવિવારે લગભગ આઠ રોકેટ છોડ્યા હતા. સ્થાનિક સૂત્રોએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે વિસ્થાપિત પરિવારોની ગીચ વસ્તીવાળા વિસ્તારમાં તે મોટો ઇઝરાયલી હવાઈ હુમલો હતો. જેમાં પ્લાસ્ટિક અને ટીનથી બનેલા તંબુ તેમજ વાહનોનો નાશ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સ અને એમ્બ્યુલન્સ કર્મચારીઓએ મૃતદેહોને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે હુમલા પહેલા ઇઝરાયેલી સૈન્ય દ્વારા વિસ્તારને “સેફ ઝોન” જાહેર કરવામાં આવ્યો હતો. રવિવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં, હમાસે બોમ્બ ધડાકાની નિંદા કરી, તેને આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) ના ચુકાદાની સંપૂર્ણ અવગણના ગણાવી.
“રફાહમાં હમાસ કમ્પાઉન્ડ પર હુમલો”
“IDF એરક્રાફ્ટે રફાહમાં હમાસના એક કમ્પાઉન્ડ પર હુમલો કર્યો, જ્યાં હમાસના ત્રાસવાદીઓ સ્થિત હતા,” ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું. “આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવ્યો હતો,” તેમાં કહેવામાં આવ્યું છે. અગાઉ 7 મેના રોજ, ઇઝરાયેલની સેનાએ જાહેરાત કરી હતી કે તેણે ઇજિપ્તની સરહદ પર ગાઝા પટ્ટીના દક્ષિણમાં રફાહના પૂર્વ વિસ્તારમાં સ્થિત ક્રોસિંગના પેલેસ્ટિનિયન ભાગનો કબજો મેળવી લીધો છે, જે ગાઝામાં પ્રવેશતી સહાયને અવરોધે છે. ઇઝરાયેલ રફાહને હમાસનો છેલ્લો ગઢ માને છે જેણે 2007 થી ગાઝા પટ્ટી પર નિયંત્રણ કર્યું છે.