યુએન એજન્સીની રાહત સામગ્રીની બોરીઓમાંથી હથિયાર મળ્યા, ઇઝરાયલનો દાવો
તેલ અવીવ: ઈઝરાયલની સેના ગાઝા પર સતત હુમલા કરી રહી છે. આ દરમિયાન ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ(IDF)એ દાવો કર્યો છે કે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી(UNRWA)ની બોરીઓમાં હથિયારો સંતાડવામાં આવ્યા હતા. IDFએ આ કેસ સાથે જોડાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે બોરીઓની અંદર રોકેટ, એન્ટી ટેન્ક મિસાઈલ, માઈન અને વિસ્ફોટક સામગ્રી છુપાવવામાં આવી હતી.
ઈઝરાયલની સેનાએ રોકેટ બનાવવા માટે વપરાતી સામગ્રીનો નાશ કર્યો હતો. ઇઝરાયલી સેનાએ હથિયારો, કારતુસ, સ્પ્રે ચાર્જીસ, આરપીજી મિસાઇલ માટે તૈયાર કરાયેલ ગ્રેનેડ સહિત ઘણી વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે.
ઈઝરાયલે દાવો કર્યો કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલામાં UNRWAના કર્મચારીઓ પણ સામેલ હતા. આ ઘટસ્ફોટ પછી ઇઝરાયલે માંગ કરી છે કે ગાઝામાં UNRWA ને તેની સત્તામાંથી હટાવવામાં આવે. આ પછી, અમેરિકા, યુરોપિયન યુનિયન અને અન્ય 16 દેશોએ એજન્સી માટે ફંડિંગ સ્થગિત કરી દીધું છે.
ઇઝરાયલે UNRWA ના 12 કર્મચારીઓની સંડોવણી અંગે ગુપ્ત માહિતી પ્રદાન કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આતંકવાદી ગતિવિધિઓમાં UNRWA વાહનો અને ઘણી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
યુએન વોચ અને ઇમ્પેક્ટ-એસઇ દ્વારા જારી કરાયેલા અહેવાલોમાં યુએનઆરડબ્લ્યુએના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર હુમલાઓ માટે સમર્થન વ્યક્ત કર્યું હોવાનું નોંધવામાં આવ્યું છે.