ચીનની રહસ્યમયી બિમારી આખરે છે શું? આ બિમારીથી ભારતને કેટલું જોખમ?
કોરોના મહામારીએ વિશ્વભરમાં મચાવેલા ખળભળાટ બાદ હવે વધુ એક બિમારીનું ભયાનક રૂપ સામે આવી રહ્યું છે, અને આ બિમારીનું ઉદ્ભવસ્થાન પણ ચીન જ છે. ચીનના ઉત્તર-પૂર્વ પ્રાંતોમાં બાળકોમાં ઝડપથી આ બિમારીનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે જેણે અન્ય દેશોની પણ ચિંતા વધારી દીધી છે. ત્યારે આવો જાણીએ આખરે આ બિમારીના શું છે લક્ષણો, અને ખાસ તો ભારતે આમાં ચિંતા કરવા જેવું છે કે નહિ?
બિમારીનો પ્રકોપ એટલો વધારે છે કે સરકાર સ્કૂલો બંધ કરી રહી છે, હોસ્પિટલ બાળદર્દીઓથી ઉભરાઇ રહી છે. આ બિમારીના કેટલાક લક્ષણો ન્યુમોનિયાને મળતા આવે છે પરંતુ કેટલાક લક્ષણો તેનાથી અલગ પણ છે. અમુક પ્રકારના બેક્ટેરીયા કે વાઇરસ શ્વાસમાં આવી જતા ફેફસામાં સોજો ચડવો, કફવાળી ખાંસી, શરદી-ઉધરસ, તીવ્ર તાવ જેવા લક્ષણો મોટેભાગે સંક્રમિત દર્દીમાં જોવા મળે છે. WHO દ્વારા આ વાતને લઇને ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
વર્ષ 2022માં આવેલા WHOના એક અહેવાલ મુજબ એશિયા અને આફ્રિકાના દેશોમાં આ પ્રકારનું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. સામાન્ય લક્ષણો હોય ત્યારે જો ઇલાજ કરવામાં ન આવે તો બિમારી વધુ ગંભીર આકાર લે છે અને દર્દીના મૃત્યુની પણ શક્યતાઓ રહેલી છે. ન્યુમોનિયાના લક્ષણોમાં કફવાળી ખાંસી, શરદી, તાવ, સતત ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ફેફસામાં સોજો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આ બિમારીમાં તાવ અને ફેફસામાં ગંભીર પ્રકારનો ચેપ લાગે છે તથા સોજા ચડે છે.
WHOનું કહેવું છે કે આ બિમારી અંગે ચીને 13 નવેમ્બર 2023ના રોજ દુનિયાને જાણ કરી હતી. ચીનના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી જે પછી WHOએ ચીનને આ બિમારી વિશે વધુ માહિતી આપવા અનુરોધ કર્યો હતો. WHOએ જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં સતત સ્વચ્છતા રાખવી, લક્ષણો જણાય કે તરત તબીબોનો સંપર્ક કરવા માટે, સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરી રાખવાનું જણાવાયું છે.
ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં આ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ ઓછી છે. ભારતમાં હજુસુધી એકપણ કેસ નોંધાયો નથી. પરંતુ જો કોઇ ખતરનાક સ્થિતિ આવે તો ભારત સામનો કરવા સજ્જ છે. આમ, ઓવરઓલ સમજીએ તો હાલ ભારતીયોએ ગભરાવાની જરૂર નથી.