ઇન્ટરનેશનલ

લગ્ન સમારોહમાં મોતનું તાંડવ

વેડિંગ હોલમાં આગ ફાટી નીકળતાં 100નાં મોત, 150 ઘાયલ


બગદાદઃ ઉત્તરી ઈરાકમાંથી એક ખૂબ જ દર્દનાક સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર ઉત્તરી ઇરાકના નવાહ પ્રાંતના અલ-હમદાનિયા શહેરમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના મંગળવાર, 26 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક સમય અનુસાર લગભગ 10.45 કલાકે બની હતી. નિનેવેહ પ્રાંતના આરોગ્ય અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી. ઘાયલ થયેલા લોકોને નજીકની હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે, જેમાંથી અનેકની હાલત ગંભીર છે. એ જોતા મૃત્યુઆંક હજી ઘણો વધી શકે છે. હમદાનિયા એ મોસુલની પૂર્વમાં સ્થિત એક ખ્રિસ્તી શહેર છે.

પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે લગ્ન દરમિયાન ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, જેના કારણે હોલની અંદર આગ લાગી હતી. નાગરિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇવેન્ટ હોલની ઇમારત અત્યંત જ્વલનશીલ બાંધકામ સામગ્રીથી બનેલી હતી, જેના કારણે તે ઝડપથી આગ પકડી લે છે. ઉપરાંત ઇવેન્ટ હોલમાં સલામતી ધોરણોનું ઉલ્લંઘન પણ કરવામાં આવ્યું હતું.


આગ લાગવાના કારણ અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાનમાં ઈરાકના વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાનીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને સબંધિત અધિકારીઓને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો છે.

કેટલાક અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ આગ માનવસર્જિત હતી અને એમાં ખ્રિસ્તી લઘુમતિઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. છેલ્લા બે દાયકાથી પહેલા અલ-કાયદા અને પછી ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથના ઉગ્રવાદીઓ ઇરાકના ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા છે અને તેમની પર અત્યાચાર ગુજારી રહ્યા છે, જેને કારણે ઘણા ખ્રિસ્તીઓ યુરોપ, ઓસ્ટ્રેલિયા અથવા યુનાઇટેડ સ્ટેટ્સમાં સેટલ્ડ થઇ ગયા છે.


ઇરાકની કુલ વસ્તી 4 કરોડથી વધુ છે. 2003માં ઇરાકમાં ખ્રિસ્તીઓની વસતી 15 લાખની હતી, જે હવે ઘટીને માત્ર દોઢેક લાખ થઇ ગઇ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button