Iraq: ઇરાન સમર્થિત જૂથોએ ઇરાકમાં યુએસ સૈન્ય મથક પર રોકેટ મારો કર્યો, કર્મચારીઓ ઘાયલ

બગદાદ: મધ્યપૂર્વના દેશોમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોએ શનિવારે પશ્ચિમ ઈરાકમાં સ્થિત અમેરિકાના સૈન્ય મથક પર રોકેટ અને બેલિસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો, જેમાં અમેરિકન સેનાના ઘણા કર્મચારીઓ ઘાયલ થયા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડે આ માહિતી આપી છે. અમેરિકન સૈન્યએ કહ્યું કે ઘણા સૈન્ય કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. હુમલામાં એક ઈરાકી કર્મચારી સભ્ય પણ ઘાયલ થયો હતો.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 20 જાન્યુઆરીએ સાંજે 6:30 વાગ્યાના સ્થાનિક સમયે પશ્ચિમ ઇરાકમાં અલ-અસદ એરબેઝ પર બેલિસ્ટિક મિસાઇલો અને રોકેટ છોડવામાં આવ્યા હતા. હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગની મિસાઈલોને હવામાં અટકાવી અને તેનો નાશ કર્યો. જો કે કેટલીક મિસાઈલો એરબેઝ પર પડી હતી. હાલમાં નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. કેટલાક અમેરિકન કર્મચારીઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સીરિયાની રાજધાની દમાસ્કસ પર ઈઝરાયેલના હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના ચાર સૈનિકો માર્યા ગયા હતા. મૃતકોમાં સીરિયન ફોર્સના ઇન્ફોર્મેશન યુનિટના વડા પણ સામેલ હતા. ઈરાને કહ્યું કે માજેહમાં એક ઈમારત પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હુમલામાં અન્ય પાંચમા મૃતકની ઓળખ થઈ નથી.