ઈરાનમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા, 15 લોકોના મોત…

ઈરાનમાં આર્થિક પરિસ્થિતિ કથળતા દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અંગે અમેરિકા સ્થિત માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ એજન્સી અનુસાર ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170 થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં 580 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઇઝરાયલ અને અમેરિકા જેવી વિદેશી તાકતોનો હાથ
આ હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા લોકો સાથે વાત કરી શકાય છે, પરંતુ તોફાનીઓ સાથે વાતચીત કરવાનો કોઈ અર્થ નથી. તેમને તેમનું સ્થાન બતાવવું જ જોઇએ. જેના પરથી સ્પષ્ટ છે કે ઈરાન સરકાર વિરોધીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે હિંસક વિરોધ પ્રદર્શનો પાછળ ઇઝરાયલ અને અમેરિકા જેવી વિદેશી તાકતોનો હાથ છે.
આ પણ વાંચો…ઈરાનમાં “ડેથ ટુ ડિક્ટેટર”ના નારા સાથે હિંસક પ્રદર્શન: ફાયરિંગમાં 6નાં મોત, અમેરિકાએ આપી ચેતવણી…
અનેક શહેરોમાં પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી
જોકે, હિંસક વિરોધ પ્રદર્શનની શરુઆતમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને શરૂઆતમાં વિરોધ પ્રદર્શનો પ્રત્યે વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. જયારે હવે સરકાર દ્વારા કડક કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં અનેક શહેરોમાં પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી છે અને અમુક સ્થળોએ ગોળીબારના અહેવાલો પણ મળ્યા છે.
2022 માં થયેલા રાષ્ટ્રવ્યાપી બળવા પછી આ સૌથી મોટા વિરોધ પ્રદર્શન
ઈરાનમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શન ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. જેમાં વર્ષ 2022માં પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના મૃત્યુ બાદ થયેલા રાષ્ટ્રવ્યાપી બળવા પછી આ સૌથી મોટા વિરોધ પ્રદર્શન છે. પ્રદર્શનકારીઓ તેહરાન અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
આ પણ વાંચો…ઈરાનમાં ખામેનીના શાસન સામે જનતાનો બળવો! અથડામણમાં 7 ના મોત, આ કારણે જનતામાં રોષ



