ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Iran-Pakistan Tension: ઈરાને ફરી પાકિસ્તાનની સીમામાં ઘૂસીને ફરી હુમલો કર્યો, જૈશ અલ-અદલનો ટોચનો કમાન્ડર માર્યો ગયો

તેહરાન: ઈરાને ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે. ઈરાનના મીડિયા અનુસાર, આ વખતે ઈરાનની સેનાએ ગ્રાઉન્ડ એટેક કરીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ટોપ કમાન્ડરને મારી નાખ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાનની સરહદ પર એર સ્ટ્રાઈક કરી હતી, જે બાદ પાકિસ્તાને પણ ઈરાન પર જવાબી કાર્યવાહી કરી હતી. જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સેનાએ પાકિસ્તાની સરહદમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ટોચના કમાન્ડર ઈસ્માઈલ શાહ બક્ષ અને તેના અન્ય ઘણા સાથીદારોને મારી નાખ્યા છે.


જૈશ અલ-અદલની સંગઠનની સ્થાપના વર્ષ 2012માં કરવામાં આવી હતી. જૈશ અલ-અદલ એક સુન્ની સંગઠન છે, જે ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી કાર્યરત છે. ઈરાન સરકાર આ સંગઠનને આતંકવાદી સંગઠન માને છે. આ સંગઠન ઈરાનમાં થયેલા અનેક હુમલામાં સામેલ હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો થયો હતો. આ હુમલામાં 11 પોલીસ જવાનો માર્યા ગયા હતા. આ હુમલા પાછળ જૈશ અલ-અદલનો હાથ હોવાનું જાણવા મળ્યું હતું.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીરિયામાં ઈરાનની સેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા કરવામાં આવી રહેલા હુમલા અને સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં ઈરાનની સેના દ્વારા સુન્નીઓની કથિત હેરાનગતિનો બદલો લેવા જૈશ અલ-અદલની રચના કરવામાં આવી હતી. જૈશ અલ-અદલ ઇરાનના સુન્નીઓ માટે સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતને આઝાદ કરવા માંગે છે, જેથી બલૂચ લોકોને ત્યાં વધુ અધિકાર મળી શકે.


બલૂચિસ્તાનના બળવાખોર સંગઠનો ઈરાન અને પાકિસ્તાન સામે આઝાદીની લડાઈ ચલાવી રહ્યા છે. આ જ કારણ છે કે આ બળવાખોર સંગઠનો પાકિસ્તાન પર હુમલો કરીને ઈરાનની સરહદમાં ઘૂસી જાય છે.


એક જ રીતે ઈરાન પર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ પાકિસ્તાનની સરહદમાં ઘસી જાય છે. અગાઉ પણ ઈરાન અને પાકિસ્તાન એકબીજાની સરહદ પર આ વિદ્રોહી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂક્યા છે.


થોડા સમય પહેલા બંને દેશો વચ્ચે આ અંગે તણાવ વધ્યો હતો, પરંતુ તે પછી બંને દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેના હેઠળ બંને દેશો સુરક્ષાના મામલામાં સહયોગ વધારશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button