Iranની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રારંભિક વલણોમાં મોટી ઉથલ-પાથલ, કટ્ટરપંથી Saeed Jalili એ લીડ મેળવી

દુબઈઃ ઈરાનમાં(Iran)યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે. ઈરાનના સરકારી ટીવી અનુસાર પ્રારંભિક વલણોમાં કટ્ટરપંથી ઉમેદવાર સઈદ જલીલીએ(Saeed Jalili)ભારે લીડ મેળવી છે. આ કારણે તે ઈરાનના આગામી રાષ્ટ્રપતિ બનશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેજેશકિયન બીજા સ્થાને છે. પરંતુ તેઓ સઈદ જલીલીથી મોટા મતોથી પાછળ છે. જો કે, ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ દ્વારા પ્રસારિત કરાયેલા પ્રારંભિક વલણોમાં શરૂઆતમાં જલીલી ચૂંટણીમાં સંપૂર્ણ રીતે જીતવાની સ્થિતિમાં દેખાતા ન હતા.
ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું
આવી સ્થિતિમાં ચૂંટણી પરિણામોમાં ટોચના બે હોદ્દા પર બિરાજમાન ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો થવાની શક્યતા જણાઈ રહી છે. પ્રારંભિક વલણોમાં, જલીલીને 1 કરોડથી વધુ વોટ મળ્યા છે. જ્યારે પેજેશકિયાને 42 લાખ વોટ મળ્યા છે. સંસદના કટ્ટરપંથી સ્પીકર મોહમ્મદ બાઘેર કાલીબાફને 13 લાખ 80 હજાર વોટ મળ્યા. શિયા ધાર્મિક નેતા મુસ્તફા પોરમોહમ્મદીને લગભગ 80,000 મત મળ્યા હતા. ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન બાદ ચૂંટણી યોજાઈ
ઈરાનમાં ગયા મહિને વિમાન દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના મૃત્યુને કારણે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે. આ ચૂંટણી એવા સમયે થઈ રહી છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વ્યાપક તણાવ છે અને ઈરાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ઈરાનના બંધારણ મુજબ ચોક્કસ સંજોગોમાં વર્તમાન રાષ્ટ્રપતિના મૃત્યુના 40 દિવસની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવી જરૂરી છે.
કોણ છે સઈદ જલીલી?
ઈરાનમાં પ્રારંભિક ચૂંટણી પરિણામોના વલણમાં આગળ રહેલા સઈદ જલીલી ભૂતપૂર્વ પરમાણુ વાટાઘાટકાર છે. તેમણે પશ્ચિમી દેશો સાથે ઈરાનના પરમાણુ કરારમાં ખૂબ જ સકારાત્મક અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. તે ઈરાનના આયાતુલ્લાહ ખામેનીની પણ નજીક છે. તેમને પરમાણુ હથિયારોને લઈને ખૂબ જ આક્રમક માનવામાં આવે છે.