Iran-Paksitan: ‘ઈરાને એજ કર્યું જે તમે કરો છો…’, એરસ્ટ્રાઈકના સવાલ પર અમેરિકાનો જવાબ..

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પણ ઈરાનમાં એર સ્ટ્રાઈક કરી હતી, જેને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના આ તણાવ પર વિશ્વભરના દેશો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરને પૂછવામાં આવ્યું કે ઈરાન પણ ઈરાક, સીરિયા અને પાકિસ્તાનમાં હાજર આતંકવાદી જૂથોને અમેરિકનની જેમ જ નિશાન બનાવે છે.
તેના પર અમેરિકાનું શું વલણ છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે સંદર્ભનું મહત્વ છે. એક તરફ ઈરાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે. બીજી તરફ, તે દાવો કરે છે કે તેણે આતંકવાદનો સામનો કરવા માટે આ હુમલો કર્યો હતો. જ્યારે અમેરિકા ઈરાકમાં કાર્યવાહી કરે છે, જ્યાં અમારા દળો ઈરાકી સરકારના નિયંત્રણમાં છે.
મેથ્યુ મિલરે કહ્યું, અમેરિકા આ હુમલાઓની નિંદા કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાનને તેના ત્રણ પડોશીઓ દેશોની સાર્વભૌમ સરહદોનું ઉલ્લંઘન કર્યું છે.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ મામલો ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો છે. જ્યાં સુધી ભારતનો સવાલ છે. આતંકવાદને અંગે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. અમે સમજીએ છીએ કે આ પગલા આત્મરક્ષા માટે લેવામાં આવ્યા હતા.
બીજી તરફ ચીને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે ભારપૂર્વક જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોને યુએન ચાર્ટરના મૂળભૂત ધોરણો અને સિદ્ધાંતોના આધારે ઉકેલવાની જરૂર છે.
મંગળવારે ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ-ઉલ-અદલના અડ્ડા પર હવાઈ હુમલો કર્યો હતો. આતંકવાદી સંગઠન જૈશ ઉલ-અદલને ‘આર્મી ઑફ જસ્ટિસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2012માં સ્થપાયેલ આ સંગઠન એક સુન્ની આતંકવાદી જૂથ છે, જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે. અમેરિકા અને ઈરાન બંનેએ આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠનમાં 500 થી 600 આતંકવાદીઓ છે.