Iran-Israel war: ‘ઇઝરાયલને તેના પાપની સજા મળશે’ ઈરાને ઇઝરાયલ હુમલો કર્યો, 200 મિસાઈલ અને ડ્રોન છોડ્યા, તણાવ ચરમસીમાએ
તેલ અવિવ: મધ્ય પૂર્વ(Middle East)માં વધુ એક યુદ્ધ શરુ થઇ ચુક્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અટકળો બાદ આખરે ઈરાન(Iran)એ શનિવારે રાત્રે ઇઝરાયલ(Israel) પર હવાઈ હુમલો કર્યો હતો. સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ પર ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો જવાબ આપવા ઈરાને આ પગલું ભર્યું છે. ગઈ કાલે રાત્રે ઈરાની સેનાએ ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો છે. ગાઝા(Gaza)માં હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે મધ્ય પૂર્વમાં એક નવું સંકટ ઊભું થયું છે. જેના પર સમગ્ર દુનિયાની નજર છે, ઈરાનના હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)એ પણ બેઠક બોલાવી છે.
એક અહેવાલ મુજબ ઈરાને 200થી વધુ ડ્રોન અને મિસાઈલ દ્વારા ઇઝરાયલ પર હુમલો કર્યો છે. જો કે, આમાંથી મોટાભાગની મિસાઈલને ઇઝરાયલની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા પહેલા જ ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કરી દીધી હતી. ઇઝરાયેલના દક્ષિણ ભાગમાં એક સૈન્ય મથકને નજીવું નુકસાન થયું છે, આ ઉપરાંત હજુ સુધી આ હુમલાને કારણે કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી.
ઈરાનના હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે અમે દરેક પડકારનો સામનો કરવા તૈયાર છીએ. બંને નેતાઓ વચ્ચે વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રએ પણ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
ઈરાન આગામી કેટલાક કલાકોમાં ઇઝરાયલ પર વધુ મિસાઈલ હુમલા કરી શકે છે. ઇઝરાયલ પર હુમલા બાદ ઈરાને કહ્યું કે આ ઇઝરાયલના ગુનાઓની સજા છે. ઈરાનની સેનાએ એક નિવેદન જાહેર કરીને આ હુમલાને ‘ઓપરેશન ટુ પ્રોમિસ’(Operation to Promise) નામ આપ્યું છે. ઇઝરાયલની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી છે. સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
મધ્યરાત્રિએ ઈરાન દ્વારા ઇઝરાયલ પર થયેલા હુમલાને કારણે વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનના વિદેશ પ્રધાનનું કહેવું છે કે ઈરાન કોઈપણ પ્રકારના સૈન્ય હુમલાથી રક્ષણ માટે કોઈ પણ પગલું લેવામાં ખચકાશે નહીં.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પણ કહ્યું છે કે જ્યાં જરૂરી હોય ત્યાં, હુમલાઓને તત્પરતાથી રોકવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે ઇઝરાયેલમાં વોર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે.
હુમલાના થોડા દિવસ પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનીએ ચેતવણી આપતા કહ્યું હતું કે ઇઝરાયલને સજા મળશે. ઇઝરાયલની દુષ્ટ સરકારને સજા થશે.
ઈરાનના હુમલા પછી બ્રિટને ઇઝરાયલની મદદ માટે રોયલ એરફોર્સના જેટ અને એર રિફ્યુઅલિંગ ટેન્કરો મોકલ્યા હતા. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઈરાન તરફથી મળેલી ધમકીઓ અને મધ્ય પૂર્વમાં ઝડપથી વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સરકાર તણાવ ઘટાડવા અને આ હુમલાઓને રોકવા માટે તેના સાથીદારો સાથે મળીને તમામ સંભવિત પગલાં લઈ રહી છે. અમે રોયલ એરફોર્સ જેટ અને એર રિફ્યુઅલિંગ ટેન્કરો ઇઝરાયેલ મોકલ્યા છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની દુશ્મની ઈરાનમાં 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી ચાલી આવતી રહી છે. પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે બંને વચ્ચે સીધું યુદ્ધ શરુ થયું હોય છે.