ઈરાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી, વિરોધ પ્રદર્શનો વચ્ચે 2,000 લોકોના મોત

તહેરાન: ઈરાનમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. જેમાં ઈરાનમાં 15 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક હવે 2,000 પર પહોંચી ગયો છે. આ અંગે મંગળવારે એક ઈરાની અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુઆંકમાં વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ બંનેનો સમાવેશ થાય છે. આ પહેલી વાર છે જ્યારે ઈરાની અધિકારીઓએ જાહેરમાં મૃત્યુનો આંક સ્વીકાર કર્યો છે.
આ અંગે અધિકારીના જણાવ્યા મુજબ, આ વિરોધ પ્રદર્શનોમાં વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ બંને માર્યા ગયા હતા. જોકે અધિકારીએ સ્પષ્ટ કર્યું નથી કે મૃતકોમાં કેટલા વિરોધીઓ હતા અને કેટલા સુરક્ષા દળના સભ્યો હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ધમકી આપી
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ધમકી આપી હતી કે જો પ્રદર્શનકારીઓ પર ગોળીબાર થશે તો યુએસ ઈરાન પર લશ્કરી કાર્યવાહી કરી શકે છે. રવિવારે એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, કેટલાક લોકોને મારવા આવ્યા છે. જેમને મારવા જોઈતા ન હતા. ઈરાનના નેતા ફક્ત હિંસા દ્વારા શાસન કરે છે. પરંતુ અમે અને સૈન્ય ખૂબ જ ગંભીરતાથી નજર રાખી રહ્યા છીએ.
ઈરાનના ઇસ્લામિક શાસનનો વિરોધ
ઈરાનની બહાર પણ ઈરાનના ઇસ્લામિક શાસનનો વિરોધ થઇ રહ્યો છે. વિશ્વભરના લોકો પણ ઈરાનના નાગરીકોના સમર્થનમાં આવ્યા છે. લોકો ઈરાનમાંથી સરમુખત્યારશાહી હટાવીને લોકશાહી સ્થાપવાની માંગ કરી રહ્યા છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂરની અસર: લશ્કર-એ-તૈયબામાં ભંગાણ, પાકિસ્તાની સેના પરથી આતંકીઓનો ભરોસો ઉઠ્યો



