Iran vs Israel: ઈરાન ઈઝરાયલ પર હુમલો કરવાની તૈયારીમાં!, અમેરિકાને બાજુમાં હટી જવા ચેતવણી
મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈઝરાયેલ(Israel) છેલ્લા 6 મહિનાથી પેલેસ્ટાઇનના ગાઝા(Gaza) પર સતત હુમલા કરીને નાગરિકો જીવ લઇ રહ્યું છે, જેની દુનિયાભરમાં ટીકા કરવામાં આવી રહી છે. એવામાં ઇઝરાયલે સીરિયામાં ઈરાન(Iran)ની સેનાના અધિકારીઓની હત્યા કરી વધુ એક યુદ્ધની આમંત્રણ આપ્યું છે. અહેવાલો અનુસાર ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપી છે, ઈરાને અમેરિકાને દુર રહેવા કહ્યું છે.
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલ અનુસાર ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ એક બાજુ હટી જવું જોઈએ કારણ કે ઈરાન સીરિયામાં તેના વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયલના હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. દરમિયાન મધ્ય પૂર્વમાં ઈરાનના મુખ્ય પ્રતિનિધિ હિઝબુલ્લાહે ઈઝરાયેલને યુદ્ધ માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. ઈરાને વોશિંગ્ટનને લખેલા એક મેસેજમાં જણાવ્યા મુજબ, “યુએસને સલાહ આપીએ છીએ કે બેન્જામિન નેતન્યાહુની જાળમાં ન ફસાય.”
યુએસ મીડિયાના અહેવાલ મુજબ, ઈરાન દ્વારા સંભવિત હુમલાને બાબતે અને મધ્ય પૂર્વમાં તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકા હાઈ એલર્ટ પર છે. સુત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેનનું વહીવટીતંત્ર ઇઝરાયેલ પરના કોઈપણ સંભવિત હુમલા અંગે ચિંતિત છે.
બાઈડેન પ્રશાસને ઈરાનને સીધી માહિતી આપી હતી કે યુએસને દમાસ્કસમાં થયેલા હુમલાની કોઈ જાણકારી ન હતી. આમ અમેરિકા મધ્ય પૂર્વમાં તેની સેના અને બેઝ પર ઈરાનના હુમલા ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
સીરિયાના દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હવાઈ હુમલામાં બે જનરલ સહિત લગભગ સાત ઈરાનીઓના મોત થયા હતા, જ્યારે ઈઝરાયેલ છેલ્લા કેટલાક મહિનામાં સીરિયામાં ઈરાન સાથે જોડાયેલી પ્રોપર્ટીઝ વારંવાર નિશાન બનાવી રહ્યું છે. દમાસ્કસ હુમલા બાદ ઈઝરાયેલ હાઈ એલર્ટ પર છે અને ઇઝરાયલે સૈનિકોની રજા રદ કરી છે અને હવાઈ સુરક્ષા પણ વધારી દીધી છે.