પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક મામલે ઇરાને કરી સ્પષ્ટતા, ‘અમે તો સુરક્ષા ખાતર હુમલો કર્યો હતો..’
ઇરાનના વિદેશપ્રધાન હુસૈન અમીર અબદુલ્લાહિયને જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદી સંગઠનને નિશાન બનાવ્યું હતું, અમે કોઇ પાકિસ્તાની નાગરિકને નુકસાન પહોંચાડ્યું નથી. આને ગાઝા સાથે કોઇ લેવાદેવા નથી. આ સાથે જ તેમણે હમાસ અંગે પણ પોતાના વિચારો જણાવતા કહ્યું હતું કે હમાસ એ આતંકવાદી સંગઠન નથી. તે પેલેસ્ટાઇનના લોકોની આઝાદી માટે રચાયેલું એક પ્રતિરોધી સમૂહ છે.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચેલા ઇરાનના વિદેશપ્રધાને જણાવ્યું હતું કે આ એરસ્ટ્રાઇકમાં ફક્ત આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ઠેકાણા પર જ હુમલો કરવામાં આવ્યો હતો. અમે કોઇ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે જૈશ અલ-અદલ એ ઇરાનનું જ આતંકવાદી સંગઠન છે, સંગઠનના આતંકીઓએ પાકિસ્તાનના સિસ્તાન-બલુચિસ્તાન સહિતના કેટલાક વિસ્તારોમાં શરણ લીધું હતું. ઇરાનનું કહેવું છે કે આ સંગઠન દ્વારા ઇરાનમાં અમુક જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા. આ સંગઠનની પાકિસ્તાન તથા ઇરાકને પણ જોખમ હતું, અમે પાકિસ્તાનની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતતાનું સન્માન કરીએ છીએ. પરંતુ અમે અમારા રાષ્ટ્રીય જોખમો સાથે સમાધાન ન કરી શકીએ.
આતંકી સંગઠન ‘જૈશ અલ-અદલ’ એટલે કે ‘ન્યાયની સેના’ એ 2012માં સ્થપાયેલું એક સુન્ની મુસ્લિમ આતંકવાદીઓનું સંગઠન છે. જે મોટેભાગે પાકિસ્તાનથી જ ઓપરેટ થતું આવ્યું છે. ઇરાન અને પાકિસ્તાનની સરહદો પર તેની સક્રિયતા જોવા મળે છે. અમેરિકા અને ઇરાન બંને આ સંગઠનને આતંકી સંગઠન જાહેર કરી ચુક્યું છે. તેમાં 500થી 600 આતંકવાદીઓ છે. 2013થી ‘જૈશ અલ-અદલ’ દ્વારા ઇરાનમાં ઘણીવાર હુમલા કરવામાં આવ્યા હતા. એક હુમલામાં લગભગ 11 ઇરાની પોલીસ અધિકારીઓનું મોત થયું હતુ. ઇરાનના સરકારી અધિકારીઓ, નાગરિકોની હત્યામાં પણ આ સંગઠને ભૂમિકા ભજવી છે.