Israel-Iran Tension: નેતન્યાહુની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી, ઈરાનને વળતો જવાબ આપવા અંગે સસ્પેન્સ યથાવત
ઈરાને ઈઝરાયલ(Iran attack on Israel) પર હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વ(Middle east)માં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, હાલ બધા દેશોની નજર ઇઝરાયલના એક્શન પર ટકેલી છે. ઇઝરાયલના યુદ્ધ કેબિનેટે વળતા જવાબ અંગે હજુ સુધી કોઈ સંકેત આપ્યો નથી, જ્યારે ઈરાનના હુમલાને નિષ્ફળ કરવામાં મદદ કરનાર સાથી દેશોએ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
સામાન્ય રીતે આક્રમક જવાબ આપતા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઈરાનના હુમલાના જવાબ માટે યોજના અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી કરી. અહેવાલો મુજબ હાલ નેતન્યાહુ સાથી દેશો અને ઇઝરાયલના રાજકારણ બંનેને સાચવવાના દબાણ હેઠળ છે. એક તરફ સાથી દેશો સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે અને બીજી તરફ ઇઝરાયલના કેટલાક રાજકારણીઓ ઈરાનને વળતો જવાબની અપીલ કરી રહ્યા છે, નેતન્યાહુએ યુદ્ધ કેબિનેટ સાથે બે વાર બેઠક કરી અને યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે પણ ફોન કર વાત કરી છે.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારથી આ બાબતે જાહેરમાં વાત કરી નથી, તેમણે X પર માત્ર એક ટૂંકી પોસ્ટ કરી ઇઝરાયેલી સંરક્ષણની પ્રશંસા કરી હતી. ઇઝરાયેલના સૈન્ય વડા હરઝી હલેવીએ સોમવારે સેનાના જવાનોને સંબોધતા જણાવ્યું હતું કે ઇરાનના હુમલાનો જવાબ આપવામાં આવશે, પરંતુ સમય અથવા કઈ રીતે જવાબ આપવામાં આવશે એનો ઉલ્લેખ કર્યો ન હતો.
ઇઝરાયલના મીડિયા અહેવાલ અનુસાર, “છેલ્લા 48 કલાકથી ઈઝરાયેલ સરકાર પર જવાબ આપવા માટે ઘણું દબાણ છે કારણ કે આ એક અભૂતપૂર્વ હુમલો હતો.” ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામર બેન ગ્વિરે ઇરાની હુમલાનો સખત જવાબ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
બીજી તરફ ભૂતપૂર્વ વડા પ્રધાન એહુદ બરાકે કહ્યું કે “તેઓ(ઇઝરાયલી સરકાર) સમગ્ર મધ્ય પૂર્વ સળગાવવા ઇચ્છે છે.” અન્ય એક રાજકારણી ગીડિયન સારે ધીરજ રાખવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે “ઇઝરાયેલે જવાબ આપવા માટે ઉતાવળ કરવાની અને નક્કી કરેલી પ્રાથમિકતાઓને ખલેલ પહોંચડવાની કરવાની જરૂર નથી. હાલ, આપણું ધ્યાન ગાઝામાં હમાસને તોડી પાડવા અને બંધકોને મુક્ત કરવા તરફ હોવું જોઈએ.”
ઇરાનના હુમલાને ઇન્ટરસેપ્ટ કરવા જોર્ડન સહીત યુએસ, યુકે અને ફ્રાન્સ સહકારની ઇઝરાયલે પ્રશંસા કરી હતી. આ દેશોના સમર્થન વગર આયર્ન ડોમ સહીત ઇઝરાયની ડિફેન્સ સિસ્ટમ ઈરાનના હુમલાનો સામનો કરી શકી ના હતો. ઈઝરાયેલને ટેકો આપનારા દેશોએ પણ ઇઝરાયલને શાંતિ રાખવા સહાલ આપી છે.
અમેરિકાના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ઈઝરાયેલ દ્વારા કોઈપણ સંભવિત વળતા હુમલામાં ભાગ લેશે નહીં. બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ કેમેરોન અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને પણ વળતો હુમલો ન કરવા ચેતવણી આપી હતી.