ઇરાને ઈઝરાયેલ પર હુમલો કરતાં 10થી વધુ લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી…

તહેરાન : ઇઝરાયેલે ઈરાનની ઓઇલ રિફાઇનરી પર કરેલા હુમલાનો ઇરાને જવાબ આપ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ ઇરાને ઈઝરાયલના શહેરોને તેલ અવીવ અને હૈફાને નિશાન બનાવ્યા છે. જેમાં 10 લોકોના મોત થવાના અહેવાલ છે. ઈઝરાયલે ઈરાનમાં નાગરિક અને ઉર્જા માળખા પર બોમ્બમારો કર્યા બાદ આ હુમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે તેહરાનમાં શાહરાન ઓઇલ ફિલ્ડમાં આગ લાગી હતી.
80 લોકો માર્યા ગયા છે અને 800 લોકો ઘાયલ
ઈઝરાયલી સૈન્યનું કહેવું છે કે તેણે ઈરાનના પરમાણુ શસ્ત્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ ઉપરાંત ઈરાની મીડિયાએ જણાવ્યું છે કે, છેલ્લા બે દિવસમાં ઈઝરાયલી હુમલાઓમાં 20 બાળકો સહિત 80 લોકો માર્યા ગયા છે અને 800 લોકો ઘાયલ થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી
જ્યારે ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાની ભૂમિકા હોવાનું ઈરાને નિવેદન આપ્યું છે.જોકે, અમેરિકા સતત તેનો ઇનકાર કરી રહ્યું છે. તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી પણ આપી હતી કે જો ઈરાન અમેરિકા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તેનો સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવામાં આવશે.
ઈઝરાયલ પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો
મીડિયા અહેવાલ મુજબ ઈરાને શનિવારે રાત્રે ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયલ સામે નવો હુમલો શરૂ કર્યો. જ્યારે ઇઝરાયલે તેના બે ઇંધણ ડેપો અને અન્ય બેઝને નિશાન બનાવીને બદલો લીધો.
ઇઝરાયલે ઇરાનના ગેસ ફિલ્ડ અને ઓઇલ ડેપો પર હુમલો કર્યો
ઇઝરાયલ અને ઇરાન સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઇઝરાયલે ફાઇટર જેટથી ઇરાનના ગેસ ફિલ્ડને નિશાન બનાવ્યા છે. આ હુમલા પછી ઇરાનના દક્ષિણ બુશેહર પ્રાંતમાં દક્ષિણ પાર્સ ગેસ ફિલ્ડમાંથી આગની જ્વાળાઓ નીકળવા લાગી. ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ હુમલો એટલો જોરદાર હતો કે ગેસ ફિલ્ડના મોટા ભાગને ઘણું નુકસાન થયું હતું.