ઇઝરાયેલના ઈરાન પરના હુમલામાં સશસ્ત્ર દળોના ચીફ મોહમ્મદ બઘેરીનું મોત

તહેરાન : ઇરાન પર ઇઝરાયેલના હુમલામાં ઈરાનન મોટું નુકશાન થયું છે. જેમાં આ હુમલામાં ઈરાનના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બઘેરીનું મૃત્યુ થયું છે. આ હુમલા દરમિયાન ઈઝરાયલી સેનાએ ઈરાનના મુખ્ય લક્ષ્યો પર હુમલો કર્યો છે. જેમાં લશ્કરી મુખ્યાલય, પરમાણુ સ્થળો, આઇજીઆરસી, ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે.
શહેરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા
ઈઝરાયલે બીજી વખત ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. આ દરમિયાન, ઈરાનના ઘણા શહેરોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. ઈરાની હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઈઝરાયલે તેના મુખ્ય નેતાઓ અને અધિકારીઓને સલામત સ્થળોએ ખસેડવાનું કામ શરૂ કર્યું છે.
છ ઈરાની લશ્કરી ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા
ઈઝરાયલી હુમલાના જવાબમાં ઈરાને પણ ઈઝરાયલ પર મિસાઈલ છોડી છે. આ અગાઉ ઈરાન સ્ટેટ ટેલિવિઝને પુષ્ટિકરી છે કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના વડા જનરલ હુસૈન સલામી ઈઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. આ ઉપરાંત ઈરાની અધિકારીઓ કહે છે કે ઈઝરાયલે તેહરાનની આસપાસ છ ઈરાની લશ્કરી ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા છે.
ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો સંદેશ
ઈરાનના પરમાણુ સુવિધાઓ પર હુમલા બાદ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈઝરાયલે ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કર્યું છે. જે અમારા અસ્તિત્વ માટેના ખતરાનો નાશ કરવા માટે એક લક્ષિત લશ્કરી કાર્યવાહી છે. આ કામગીરી ઈરાન તરફથી પરમાણુ ખતરો નાબૂદ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ઇઝરાયલી સરકારે આ કામગીરીને લક્ષિત રક્ષણાત્મક અભિયાન ગણાવ્યું છે અને તેને સંપૂર્ણપણે સ્વ-બચાવમાં લેવાયેલ પગલું ગણાવ્યું છે.
આ પણ વાંચો…ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનમાં ભારોભાર આક્રોશઃ ઈઝરાયેલને આકરી સજા આપવાની તૈયારી