યુક્રેનના મુદ્દે અમેરિકા-રશિયાની વાટાઘાટો પર રોકાણકારોની નજરઃ વૈશ્વિક સોનું એક ટકો તૂટતાં સ્થાનિકમાં રૂ. 741નો ઘટાડો | મુંબઈ સમાચાર

યુક્રેનના મુદ્દે અમેરિકા-રશિયાની વાટાઘાટો પર રોકાણકારોની નજરઃ વૈશ્વિક સોનું એક ટકો તૂટતાં સ્થાનિકમાં રૂ. 741નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે સપ્તાહના આરંભે લંડન ખાતે રોકાણકારોની ખાસ કરીને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ માટે આગામી 15મી ઑગસ્ટના રોજ યોજાનારી અમેરિકા અને રશિયા વચ્ચેની વાટાઘાટો પર તેમ જ આવતીકાલે મંગળવારે જાહેર થનારા અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી આજે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં એક ટકા જેટલો અને વાયદામાં બે ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ 0.9 ટકા જેટલા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 738થી 741નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 424નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 738ના ઘટાડા સાથે રૂ. 99,800ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 741ના ઘટાડા સાથે રૂ. 1,00,201ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 424ના ઘટાડા સાથે રૂ. 1,14,308ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગત શુક્રવારના બંધ સામે એક ટકા જેટલા ઘટીને આૈંસદીઠ 3363.31 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ બે ટકા ઘટીને 3423.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 37.97 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
આગામી 15મી ઑગસ્ટના રોજ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વલ્દમિર પુતીન યુક્રેનના મુદ્દે અલાસ્કા ખાતે મળશે, એમ ગત શુક્રવારે ટ્રમ્પે જણાવ્યું હોવાથી ભૂરાજકીય તણાવ હળવો થવાના આશાવાદે આજે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સિટી ઈન્ડેક્સનાં વિશ્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું. વધુમાં આવતીકાલે મંગળવારે અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા જાહેર થતાં ફેડરલ રિઝર્વના નીતિવિષયક વલણ અંગેનો અંદાજ મળે તેમ હોવાથી રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે જો ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહે તો સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે. તેમ છતાં હાલના ડિસ્કાઉન્ટને ધ્યાનમાં લેતા રોકાણલક્ષી માગનો ટેકો મળી શકે છે.

તાજેતરનાં અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે અને વર્ષના અંત આસપાસ બીજી વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં અમેરિકા ચીન વચ્ચેની ટ્રેડ ડીલની મુદ્દત આવતીકારે પૂરી થઈ રહી હોવાથી રોકાણકારોની નજર અમેરિકા ચીન વચ્ચેની વાટાઘાટો પર પણ મંડાયેલી છે. વધુમાં ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર દૂર ડિલિવરીનાં ઓળીયાની સંખ્યા ગત આઠમી ઑગસ્ટના રોજની સરખામણીમાં 18,965 વધીને 1,61,811ની થઈ હોવાના અહેવાલ હતા.

આપણ વાંચો:  સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button