અમેરિકન યુનિવર્સિટીઓ શા માટે ટ્રમ્પના શપથ લે તે પહેલા વિદેશી વિદ્યાર્થીઓને યુએસ પાછા ફરવાની અપીલ કરી રહી છે?
વોશિંગ્ટનઃ આવતા વર્ષે અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ આવતા વર્ષે 20 જાન્યુઆરીએ છે. એ પહેલા યુ.એસ.ની કેટલીક યુનિવર્સિટીઓ અને કોલેજો તેમના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ટ્રમ્પના સમારંભ પહેલા કેમ્પસમાં પાછા ફરવા માટે અપીલ કરી રહી છે. અમેરિકન એરપોર્ટ પર તેમની કડક સુરક્ષા તપાસ અને દસ્તાવેજોની સંપૂર્ણ તપાસ થઈ શકે છે. વિદ્યાર્થીઓ અથવા યુનિવર્સિટીને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આવી અપીલ કરવામાં આવી રહી છે.
મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ સેમેસ્ટર બ્રેક અથવા સ્ટુડન્ટ એક્સચેન્જ દ્વારા અમેરિકાની બહાર જતા હોય છે. જ્યારથી ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે ત્યારથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ વિઝા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને સરળતાથી સ્ટુડન્ટ વિઝા મેળવવામાં મુશ્કેલી પડશે અને તેમના માટે અમેરિકામાં આવીને કામ કરવું અને નોકરી મેળવવી મુશ્કેલ બની જશે. તે કેટલાક દેશોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ પણ લાદી શકે છે, જેનાથી તેમના માટે યુએસના દરવાજા બંધ થઇ જશે. જોકે, યુનિવર્સિટીઓ અને કોલેજોની આ આ સલાહ ફરજિયાત નથી, પરંતુ ભૂતકાળના અનુભવો પર આધારિત છે.
ટ્રમ્પે યુએસ ઈતિહાસમાં દેશનિકાલની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવા અને મદદ માટે સૈન્યનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે, તેથી એવી આશંકા છે કે સત્તામાં આવ્યા બાદ ટ્રમ્પ વહીવટીતંત્ર કેટલાક પ્રવાસ પ્રતિબંધો લાદી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025 ના રોજ પદના શપથ લેશે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે તેના પહેલા જ દિવસે તેઓ અર્થતંત્ર અને ઇમિગ્રેશન મુદ્દાઓ પર ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. આ જ કારણે સંખ્યાબંધ યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ પહેલા કેમ્પસમાં પાછા ફરવાનું કહેતા ઈમેલ કરી રહી છે અને તેમના માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી રહી છે.
આ પણ વાંચો…‘બાંગ્લાદેશમાં હિંદુઓ સુરક્ષિત છે’ વાસ્તવિકતા પર ઢાંકપિછોડો કરી રહી છે યુનુસ સરકાર
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ, બ્યુરો ઑફ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ અફેર્સ અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના ડેટા અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્સમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારત અને ચીનના વિદ્યાર્થીઓનો હિસ્સો લગભગ 54 ટકા છે. એક ડેટા અનુસાર, 2023/2024માં ભારતથી યુનાઈટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 331,602 હતી.
રાષ્ટ્રપતિ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળના એક સપ્તાહની અંદર, ટ્રમ્પે જાન્યુઆરી 2017 માં સાત મુસ્લિમ બહુમતી દેશો – ઇરાક, સીરિયા, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનના નાગરિકોને 90 દિવસ માટે યુએસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધથી એરપોર્ટ પર અરાજકતા સર્જાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિદેશમાં ફસાયા હતા. ટ્રમ્પ વહીવટીતંત્રે પાછળથી આ પ્રતિબંધ વેનેઝુએલા અને ઉત્તર કોરિયા જેવા દેશોના વિદ્યાર્થીઓ સુધી લંબાવ્યો હતો. આ વખતે પણ તેઓ આવું કંઇ પણ કરી શકે છે. ટ્રમ્પની વાપસીથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે.