જાનનું દુશ્મન બનીને બેઠુ છે બાંગ્લાદેશ અને ભારતમાં શોપિંગ કરી રહ્યા છે શેખ હસીના

બાંગ્લાદેશમાં આરક્ષણના મુદ્દે થઇ રહેલી હિંસા બાદ વિરોધીઓથી બચવા માટે શેખ હસીના દેશ છોડીને ભારત ભાગી આવ્યા છે. તેઓ ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર ઉતર્યા હતા.
ભારત પહોંચતા જ બાંગ્લાદેશમાંથી તેમની ધરપકડ કરીને પરત મોકલવાની માંગ ઉઠી રહી છે. આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે તેમણે ભારતમાંથી હજારો રૂપિયાની ખરીદી કરી છે.
શેખ હસીના બાંગ્લાદેશ છોડતા પહેલા પોતાની સાથે માત્ર કેટલીક સૂટકેસ અને બેગ જ લાવી શક્યા હતા. તેમને માત્ર 45 મિનિટની અંદર દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે તેઓ હિંડન એરબેઝ પર ખરીદી કરવા ગયા હતા અને તેમણે કેટલીક જરૂરી વસ્તુઓની ખરીદી કરી હતી. શોપિંગ દરમિયાન તેમણે ભારતીય ચલણ અને બાંગ્લાદેશી ચલણમાં પેમેન્ટ કર્યું હતું.
બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ હિંડોન એરફોર્સ સ્ટેશનના શોપિંગ કોમ્પ્લેક્સમાંથી પોતાની બહેન અને પોતાના માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરી છે, જેમાં કપડાં અને કેટલીક જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. એવી પણ માહિતી મળી છે કે તેમણે ભારતીય ચલણમાં 30,000 રૂપિયાની ચૂકવણી કરી હતી, પણ પછઈ કેટલાક રૂપિયા ઓછા પડતા તેમણે બાંગ્લાદેશી ચલણમાં ચૂકવણી કરી હતી.
એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીના હિંડોન એરબેઝ પર જ રોકાયા છે. દરમિયાન એમ્બેસીના બે વાહન હિંડોન એરબેઝ પર પહોંચ્યા હતા. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓને દિલ્હી શિફ્ટ કરવામાં આવી શકે છે અને તેો દુબઇ જઇ શકે છે.
નોંધનીય છે કે નોકરીમાં અનામતની વિવાદાસ્પદ યોજના સામે બાંગ્લાદેશમાં હિંસક વિરોધ પ્રદર્શનને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓનો વિરોધ બાદમાં સરકાર વિરોધી આંદોલનમાં ફેરવાઈ ગયો હતો. વિવાદાસ્પદ અનામત યોજના હેઠળ 1971ના મુક્તિ સંગ્રામમાં ભાગ લેનારા પરિવારો માટે સિવિલ સર્વિસની નોકરીઓમાં 30 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, જેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. બાંગ્લાદેશમાં ભારે બેકારી છે. લોકોને નોકરી મળતી નથી. બે-ચાર હજાર લોકોને દર વર્ષે સરકારી નોકરી મળે છે, પણ એ માટે લાખો અરજીઓ આવે છે. એવામાં સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત રાખવાથી લોકોમાં ભારે રોષ છે. તેમનું માનવું છે કે દેશના 30 ટકા લોકોએ કંઇ 1971ના મુક્તિ સંગ્રામમાં ભાગ લીધો નહોતો, તો પછી તેમની માટે આટલી બધી અનામત શા માટે રાખવામાં આવી છે. બસ આ મામલે જ બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે.