બાંગ્લાદેશની જેલમાંથી બહાર આવી ચીન સમર્થક બેગમ ખાલિદા જિયા
15 વર્ષથી બાંગ્લાદેશની સત્તા સંભાળી રહેલા શેખ હસીનાએ દેશ છોડતાં જ તેમની સૌથી કટ્ટર હરીફ ખાલિદા ઝિયા જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. પાડોશી દેશમાં ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે આ સમાચાર સામે આવ્યા છે કે શેખ હસીના ભારત માટે રવાના થતા જ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ખાલિદા જિયાને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા વિરોધ પક્ષો સાથેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ત્રણેય સેનાના વડાઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં ખાલિદા ઝિયાની મુક્તિની સાથે આ આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા તમામ લોકોની મુક્તિને પણ મંજૂરી આપવામાં આવી હતી.
78 વર્ષીય ખાલિદા ઝિયા બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNPની પ્રમુખ છે તેમને 2018માં ભ્રષ્ટાચારના આરોપમાં 17 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. ઝિયા અને હસીના એકબીજાની કટ્ટર હરીફ છે. શેખ હસીનાનો ઝુકાવ ભારત તરફ છે, જ્યારે બેગમ ખાલિદા જિયા ચીનની સમર્થક છે. ખાલિદા ઝિયા બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNPની પ્રમુખ છે. તેમની વચ્ચેની રાજકીય લડાઈને બાંગ્લાદેશમાં “બેગમ્સની લડાઈ” કહેવામાં આવે છે. શેખ હસીના 1996માં બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા, ત્યારબાદ શેખ હસીના અને ખાલિદા ઝિયા વારાફરતી વડાપ્રધાન બનતા રહ્યા, જેના કારણે આ બંને પક્ષો વચ્ચેની કડવાશે બાંગ્લાદેશના લોકોને બે ભાગમાં વહેંચી દીધા છે. શેખ હસીનાના અવામી લીગે પોતાને લોકશાહી અને આધુનિક પક્ષ તરીકે પ્રમોટ કર્યો છે, જ્યારે ખાલિદા ઝિયાનો પક્ષ BNP કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારા ધરાવતો પક્ષ બન્યો.
ખાલિદા ઝિયા અને શેખ હસીનાને રાજકીય દુશ્મનાવટ વારસામાં મળી હતી. 1975માં શેખ મુજીબની હત્યા બાદ ખાલિદાના પતિ ઝહૂર રહેમાને બાંગ્લાદેશમાં સત્તા સંભાળી હતી. બાદમાં 1981માં ઝહૂર રહેમાનની પણ હત્યા કરવામાં આવી હતી. આ પછી આ બંને પરિવારો વચ્ચે એક પ્રકારની દુશ્મની ઉભી થઈ જે સમય જતાં રાજકીય દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. ભારતમાં વિતાવેલા તેમના સમય, તેમના પિતાના સંબંધો અને આધુનિક વિચારોને કારણે શેખ હસીનાનું વલણ ભારત પ્રત્યે નરમ હતું, જ્યારે તેમના વિરોધી ખાલિદા ઝિયાને ચીન તરફી માનવામાં આવે છે. તે પાકિસ્તાનની નીતિઓનું સમર્થન કરતી રહી છે. વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સતત બગડતા ગયા હતા.
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત હિંસા થઈ રહી છે. સોમવારે મામલો એટલો ભયાનક બની ગયો કે લોકો વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા અને હંગામો મચાવવા લાગ્યા હતા. આ આંદોલનમાં આરક્ષણનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ બાદમાં પીએમ હસીનાના રાજીનામા માટે વિરોધ શરૂ કર્યો હતો. હજારો લોકોએ હસીનાના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને બાંગ્લાદેશની સંસદને પણ નિશાન બનાવી હતી. આ વિરોધ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસક રીતે ફેલાઈ ગયો. લોકોએ સરકારી મિલકતો અને અવામી લીગ સાથે જોડાયેલા નેતાઓ પર હુમલા શરૂ કરી દીધા. જેસોરમાં અવામી લીગના એક નેતાની હોટલમાં આગ લગાવવામાં આવી હતી, જેમાં લગભગ 8 લોકો જીવતા સળગી ગયા હતા. બાંગ્લાદેશમાં આવી ઘણી ઘટનાઓ જોવા મળી છે, જેમાં અત્યાર સુધીમાં કેટલાય લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. હાલમાં સેનાએ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે અને વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે.