શપથગ્રહણ બાદ બાંગ્લાદેશના વચગાળાના વડાએ અલ્પસંખ્યકોની સુરક્ષા અંગે કહી દીધું કે….

હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ હવે વચગાળાની સરકાર રચાઇ ગઈ છે, જેના વડા નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનુસ છે. તેમણે શપથગ્રહણ કરતાની સાથે જ દેશના નાગરિકોની સુરક્ષા મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમની સરકાર દેશના તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. તેઓ જ્યારે પેરિસથી ઢાંકા પરત કર્યા ત્યારે એરપોર્ટ પર આર્મી ચીફ વકાર ઉઝ જમાન, વરિષ્ઠ અધિકારીઓ અને વિદ્યાર્થી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારની પ્રાથમિકતા દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત કરવાનું, દેશમાં ચાલી રહેલી અરાજકતાને નિયંત્રિત કરવાનું અને લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓને રોકવાનું રહેશે. તેમણે લઘુમતીઓ પરના હુમલાને એક વ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું હતું અને દેશની જનતાને દેશના પુનઃ નિર્માણમાં સાથ આપવા માટે વિનંતી કરી હતી. મોહમ્મદ યુનુસે એમ પણ જણાવ્યું હતું કે આ ગર્વનો દિવસ છે. દેશે બીજી વખત આઝાદી મેળવી છે અને બધા દેશવાસીઓએ મળીને તેનું રક્ષણ કરવાનું છે. દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોને વિનંતી પર તેમણે વચગાળાની સરકારનું નેતૃત્વ કરવાનું સ્વીકાર્યું છે. તેમણે દેશમાં ક્યાંય પણ કોઈની પર પણ હુમલો નહીં કરવા માટે લોકોને વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે આ તેમની પ્રથમ જવાબદારી છે અને જો તેઓ તેમાં નિષ્ફળ રહે અને યુવાનો તેમની વાત ના સાંભળે તો તેમને વચગાળાની સરકારની આગેવાની કરવાનો કોઈ અર્થ નથી.
ઉલ્લેખનીય છે કે તેમના શપથગ્રહણ સમારોહમાં ઢાકા ખાતેના ભારતીય હાઇ કમિશનર પણ હાજર હતા. આ ઉપરાંત બેગમ ખાલિદા ઝિયાની પાર્ટી BNPના નેતાઓ, બ્રિટન, જાપાન, ચીન, ઈરાન, આર્જેન્ટિના, ફિલિપાઇન્સ, નેધરલેન્ડ, યુએઇ કતાર સહિતના ઘણા દેશોના રાજદ્વારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાંગ્લાદેશની આ વચગાળાની સરકારમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસ ઉપરાંત ડોક્ટર સલાઉદ્દીન અહેમદ, બ્રિગેડિયર જનરલ સખાવત હુસેન, ડોક્ટર મોહમ્મદ નઝરુલ ઇસ્લામ, આદિલુર રહેમાન ખાન, એ એફ હસન આરીફ, મોહમ્મદ તૌહીદ હુસેન, સઈદા રિઝવાના હસન, સુપ્રદીપ ચકમા, ફરીદા અખ્તર, બિધાન રંજન રોય, શરમીન મુર્શિદ, એએફએમ ખાલેદ હુસૈન, ફારુખ આઝમ, નૂરજહાં બેગમ, નાહીદ ઇસ્લામ, આસિફ મહમુદ વગેરેનો સમાવેશ થાય છે.