‘બધી સમસ્યાના મૂળમાં અસમાનતા છે’ G20નું અધ્યક્ષપદ સ્વીકારતા બ્રાઝિલના રાષ્ટ્રપતિનું નિવેદન
નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટની સત્તાવાર રીતે સમાપન થઇ ચુક્યું છે. સમિટના સમાપનની જાહેરાત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે હું બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઇનાસિયો લુલા દા સિલ્વાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તેમને G20 નું પ્રમુખપદ સોંપું છું.
બ્રાઝિલને G20 ની અધ્યક્ષતાના સ્થાનાંતરણ પ્રસંગે રાષ્ટ્રપતિ લુલાએ કહ્યું કે જ્યારે અમે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ગયા ત્યારે હું ખૂબ જ ભાવુક થઇ ગયો હતો. મારા રાજકીય જીવનમાં મહાત્મા ગાંધીનું ખૂબ મહત્વ છે કારણ કે જ્યારે હું મજૂર આંદોલન માટે લડ્યો હતો ત્યારે મેં ઘણા દાયકાઓ સુધી અહિંસાનું પાલન કર્યું છે. આ કારણે જ જ્યારે મેં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી ત્યારે હું ભાવુક થઈ ગયો હતો.
બ્રાઝિલમાં G20 ની અધ્યક્ષતાના સ્થાનાંતરણને પ્રસંગે રાષ્ટ્રપતિ લુલાએ કહ્યું કે અમે વિશ્વ બેંક અને IMFમાં ઉભરતા દેશો માટે વધુ પ્રતિનિધિત્વ ઈચ્છીએ છીએ. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું કે હું પીએમ મોદીને G20 બ્લોકનું કાર્યક્ષમતાથી નેતૃત્વ કરવા માટે અને તેમણે આ સમિટમાં કરેલા ઉત્કૃષ્ટ કાર્ય માટે અભિનંદન પાઠવું છું.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યું, આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં સંપત્તિ વધુ કેન્દ્રિત છે, જ્યાં લાખો લોકો હજુ પણ ભૂખ્યા રહે છે, જ્યાં ટકાઉ વિકાસ હંમેશા જોખમમાં રહે છે, જેમાં સરકારી સંસ્થાઓ હજુ પણ વીતેલી સદીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. આપણે અસમાનતાના મુદ્દાને સંબોધિત કરીશું તો જ આ બધી સમસ્યાઓનો સામનો કરી શકીશું. આવકની અસમાનતા, આરોગ્ય-સંભાળ, શિક્ષણ, ખોરાક, લિંગ અને જાતિ અને પ્રતિનિધિત્વની અસમાનતા બધી સમસ્યાના મૂળમાં છે.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર સુધી G20નું પ્રમુખપદ ભારત પાસે રહેશે. પીએમ મોદીએ કહ્યું કે હું દરખાસ્ત કરું છું કે આપણે નવેમ્બરના અંતમાં G20નું હજુ એક વર્ચ્યુઅલ સત્ર યોજીએ.