ઇન્ડોનેશિયામાં વરસાદને કારણે 67નાં મોતઃ વરસાદ રોકવા ક્લાઉડ સીડિંગનો પ્રયોગ

તનાહ દાતારઃ વરસાદ વરસાવવા માટે ક્લાઉડ સીડિંગ (Cloud Seeding)નો પ્રયોગ કર્યાનું સાંભળ્યું જ છે, પરંતુ ઇન્ડોનેશિયા પૂર પ્રભાવિત વિસ્તારોમાં વધુ વરસાદને રોકવા માટે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ કરી રહ્યું છે. સપ્તાહના અંતે સુમાત્રા ટાપુ પર આવેલા પૂર પછી ઇન્ડોનેશિયાના સત્તાધીશોએ બુધવારે ક્લાઉડ સીડિંગ દ્વારા વધુ વરસાદ અને પૂરને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીના જણાવ્યા મુજબ પૂરના કારણે લોકો અને ડઝનેક ઘરો પાણીમાં વહી ગયા હતા. જેના કારણે ૧૫૦૦ પરિવારોને કામચલાઉ આશ્રયસ્થાનોમાં જવાની ફરજ પડી છે.
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ભારે વરસાદને કારણે અચાનક આવેલા પૂરના કારણે ૬૭ લોકોના મોત થયા હતા અને ૨૦ લોકો ગુમ થયા હતા. આ દરમિયાન ૪૪ લોકો ઘાયલ પણ થયા છે.
આ પણ વાંચો : ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર અચાનક પૂર અને ભૂસ્ખલનથી 26નાં મોત
સરકાર દ્વારા રાહત કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હવામાન વિભાગે વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેથી રાહત કામગીરીમાં અવરોધો ઉભા થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. તેનાથી બચવા માટે અધિકારીઓ ક્લાઉડ સીડિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં વરસાદને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે બુધવારે વાદળો પર મોટા પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ઇન્ડોનેશિયાને ભારે વરસાદને કારણે વારંવાર ભૂસ્ખલન અને પૂરની સમસ્યાનો સામનો કરવો પડે છે. પહાડો પરથી આવતા કાટમાળના કારણે નજીકમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.